કાલાવડમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા તાજેતરમાં બનેલ એક ગંભીર ઘટનાને લઈને મામલતદાર કચેરી ખાતે રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.સમાજના મુરતુજાભાઈ યુસુફભાઈ હિરાણીની ગત તારીખ 25-01-2026ના રોજ એક કુવામાંથી લાશ મળી આવતા સમગ્ર કાલાવડ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
સમાજના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મૃતદેહની હાલત જોતા માત્ર પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હોવાનું માનવું મુશ્કેલ છે. મૃતકના માથાના ભાગે તિક્ષ્ણ હથિયારથી ઇજા થયેલી હોય તેવી સ્પષ્ટ શંકા વ્યક્ત કરવામાં આવી હતી, જેના કારણે આ ઘટના હત્યા હોવાની શક્યતા પણ નકારી શકાતી નથી. દાઉદી વ્હોરા સમાજે આ બનાવને અત્યંત ગંભીર ગણાવી કાલાવડ મામલતદાર સમક્ષ માંગણી કરી હતી કે સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. જો કોઈ ગુનાહિત તત્વો આ ઘટનામાં સંડોવાયેલા હોય તો તેમના સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
વ્હોરા સમાજ દ્વારા ન્યાયની અપેક્ષા વ્યક્ત કરી જણાવાયું હતું કે સાચી હકીકત બહાર આવે અને મૃતકના પરિવારને યોગ્ય ન્યાય મળે તે માટે તંત્રએ તાત્કાલિક પગલાં લેવા જરૂૂરી છે.વધુ મા આ આવેદનપત્ર બાદ સ્થાનિક તંત્ર દ્વારા તપાસની કાર્યવાહી આગળ વધારવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
