શહેરમાં નવાગામ વિસ્તારમાં આવેલી સોમનાથ સોસાયટીમાં બાળકોને મોબાઈલ આપવા મુદ્દે સાસુ સાથે ઝઘડો થતા પુત્રવધુએ ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ નવાગામ વિસ્તારમાં આવેલી સોમનાથ સોસાયટીમાં રહેતી રૂૂપલબેન વિશાલભાઈ રાઠોડ નામની 29 વર્ષની પરિણીતા સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી. ત્યારે ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં રૂૂપલબેન રાઠોડ અને તેની સાસુ વચ્ચે બાળકોને મોબાઈલ આપવા મુદ્દે બોલાચાલી થતા રૂૂપલબેન રાઠોડે ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત બીજા બનાવમાં બેડી ચોકડી પાસે આવેલા નકળંગ પાર્ક સોસાયટીમાં રહેતી દીપ્તિબેન દીપકભાઈ વાઘેલા નામની 40 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી. ત્યારે રાત્રિના બે વાગ્યાના અરસામાં પગના દુખાવાથી કંટાળી ફિનાઈલ પી લીધું હતું. દીપ્તિબેન વાઘેલાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
