શહેરમાં રૈયાધાર વિસ્તારમાં રહેતા યુવાન પાસે પાંચ મહિનાથી રિસામણે બેઠેલી પત્નીએ છૂટાછેડા માટે રૂપિયા માંગતા યુવાને ફીનાઇલ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રૈયાધાર વિસ્તારમાં પાણીના ટાંકા પાસે રહેતા નયન જગદીશભાઈ ચાવડા નામનો 26 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો. ત્યારે રાત્રીના અગિયારેક વાગ્યાના અરસામાં ફીનાઇલ પી લીધું હતું.
યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતા યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં નયન ચાવડાના ઊર્મિલાબેન સાથે બીજા લગ્ન છે અને તેને સંતાનમાં એક પુત્ર છે. નયન ચાવડા એકની એક બહેનનો એકનો એક ભાઈ છે. ઊર્મિલાબેન છેલ્લા પાંચ મહિનાથી જેતપુર સ્થિત માવતરે રિસામણે બેઠી છે. ઊર્મિલાબેન છૂટાછેડા માટે રૂૂપિયા માંગતી હોવાથી નયન ચાવડાએ ફીનાઇલ પી લીધું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
