લગ્ન પ્રસંગમાં જતાં દંપતી માટે એરબેગ રક્ષક સાબિત થઈ
રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી તાલુકાને જોડતા માર્ગ પર એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ધોરાજીના નાગલખડા અને ઉપલેટાના હાડફોડી ગામ વચ્ચેથી પસાર થઈ રહેલી હ્યુન્ડાઇ ક્રેટા કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે કાર રોડ નીચે ઉતરીને પલટી મારી ગઈ હતી.
અકસ્માતનો ભોગ બનેલી હ્યુન્ડાઇ ક્રેટા કારનો નંબર ૠઉં-01-છટ-0808 છે. કાર પલટી મારતા જ તેની એરબેગ્સ સમયસર ખુલી ગઈ હતી. આ સુરક્ષા સુવિધાને કારણે કારમાં સવાર દંપતીને ગંભીર ઈજાઓ પહોંચી ન હતી. લગ્ન પ્રસંગમાં જઈ રહેલા આ દંપતી માટે એરબેગ રક્ષક સાબિત થઈ હતી અને મોટી દુર્ઘટના ટળી હતી.
ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ, આ કાર વાડોદર ગામના રહેવાસીની હોવાનું જાણવા મળ્યું છે. કારમાં સવાર દંપતી લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી.
સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. કારને મોટું નુકસાન થયું હોવા છતાં, તેમાં સવાર લોકોનો આબાદ બચાવ થતા પરિવારજનો અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. હાલમાં આ ઘટનાને પગલે માર્ગ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને કારને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
