નશાના કારોબારીઓ પર તવાઈ: ચાર દરોડામાં ₹1.31 લાખનો ગાંજો ઝડપાયો

રાજકોટ શહેરમાં નશાના કાળા કારોબારને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેના ભાગરૂૂપે તા. 23 અને 24 નવેમ્બર દરમિયાન શહેરના…

રાજકોટ શહેરમાં નશાના કાળા કારોબારને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેના ભાગરૂૂપે તા. 23 અને 24 નવેમ્બર દરમિયાન શહેરના ચાર અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડા પાડીને ગાંજાનું વેચાણ કરતા ચાર આરોપીઓને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આ ચારેય કાર્યવાહીમાં કુલ 1 કિલો 734.43 ગ્રામ ગાંજો, મોબાઈલ ફોન અને રોકડ મળી અંદાજે ₹1,31,666.5/- નો મુદ્દામાલ કબ્જે કરી એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સૌથી મોટી કાર્યવાહી પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરવામાં આવી હતી. પી.આઈ. એમ.ડી. મકવાણા અને તેમની ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે રૂૂખડીયાપરા સુલભ શૌચાલય પાસે દરોડો પાડી અગાઉ પણ એન.ડી.પી.એસ.ના ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપી હરેશગીરી ઉર્ફે હરીયો દલસુખગીરી ગૌસ્વામી (ઉ.વ. 43) ને ઝડપી લીધો હતો. તેની પાસેથી ₹81,500/- ની કિંમતનો 1.630 કિલોગ્રામ ગાંજો અને ₹5,000/- નો મોબાઈલ મળી કુલ ₹86,500/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

બીજી તરફ, ભક્તિનગર પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.ડી. પરમાર અને સર્વેલન્સ સ્કોડની ટીમે દેવપરા 80 ફૂટ મેઈન રોડ, દોસ્તી ચોક પાસે લેઉવા પટેલ સોસાયટીના ખૂણે આવેલા એક મકાનમાં દરોડો પાડ્યો હતો. અહીંથી દિલાવર ઉર્ફે નદીમ હનીફભાઈ લીંગડીયા (ઉ.વ. 26) ને 56 ગ્રામ ગાંજા (કિં.રૂૂ. 2,800/-) સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે તેના કબ્જામાંથી બે મોબાઈલ ફોન (કિં.રૂૂ. 30,000/-) અને રોકડા ₹1,940/- મળી કુલ ₹34,740/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આ ઉપરાંત, થોરાળા પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.પી. સોઢા અને ટીમે આજી નદીના પટમાં રામનાથ મહાદેવ મંદિર પાછળ દરોડો પાડી મૂળ નેપાળના અને હાલ પ્રહલાદ પ્લોટમાં રહેતા રોશન ઉર્ફે રોહીત પદમ સોની (ઉ.વ. 26) ને 15.630 ગ્રામ ગાંજા (કિં.રૂૂ. 781.5/-) અને ₹5,000/- ના મોબાઈલ મળી કુલ ₹5,781.5/- ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. જ્યારે ચોથી કાર્યવાહીમાં કુવાડવા રોડ પોલીસે કુવાડવા ગામે ભીમેશ્વર મહાદેવના મંદિર પાસેથી બિપીનપરી સોમપરી ગોસાઈ (ઉ.વ. 58) ને 32.8 ગ્રામ ગાંજા (કિં.રૂૂ. 1,645/-) અને ₹3,000/- ના મોબાઈલ ફોન મળી કુલ ₹4,645/- ના મુદ્દામાલ સાથે દબોચી લીધો હતો.આ ચારેય દરોડા દરમિયાન પોલીસે એફ.એસ.એલ. અધિકારીઓને સ્થળ પર બોલાવી જથ્થાની પ્રાથમિક ચકાસણી કરાવી હતી.હાલ પોલીસે આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે દિશામાં વધુ તપાસ તેજ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *