જસદણના કાનપર ગામે શ્રમિક પરિવારની માસૂમ બાળકીના ગુપ્તાંગમાં સળિયો ઘૂસાડી નરાધમે અમાનુષી કૃત્ય આચર્યું’તું
બાળકીના પિતાએ કોર્ટમાં પત્ર લખી ન્યાયની માંગ કરતા પોલીસ, વકીલ અને કોર્ટના સહયોગથી 6 દિવસમાં પુરાવા નોંધ્યા
જસદણના કાનપર ગામે વાડીમાં દાહોદ પંથકનો શ્રમિક પરિવાર ખેતર ભાગીયે રાખી ખેત મજૂરી કરે છે. ગત તા.04-12-2025 ના રોજ શ્રમિક પરિવાર વાડીમાં કામ કરી રહ્યો હતો. ત્યારે પરિવારની છ વર્ષ આઠ માસની બાળકી વાડીમાં જ રમી રહી હતી. ત્યારે અજાણ્યા શખ્સે ધસી આવી બાળકીનું મોઢું દબાવી હેવાને અમાનુષી અને ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ ગુજાર્યો હતો. હેવાને હવસનો શિકાર બનાવ્યા બાદ ગુપ્તાંગમાં સળિયા જેવું ધારદાર હથિયાર ઘુસાવી દેતા બાળકી લોહીલુહાણ થઇ ગઈ હતી.
બાદમાં નરાધમ બાળકીને ત્યાં જ મૂકી નાસી ગયો હતો. પરિવારે બાળકીની શોધખોળ શરૂૂ કરતા તેણી ત્યાં નજીકમાંથી જ લોહીલુહાણ હાલતમાં મળી આવતા બાળકીને સારવાર અર્થે તાત્કાલિક રાજકોટની જનાના હોસ્પિટલ ખાતે ખસેડી હતી. આટકોટ પોલીસે બાળકીના પિતાની ફરિયાદ પરથી પોક્સો અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. બાળકી ઉપર અમાનુષી અત્યાચાર ગુજારનાર મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ જસદણના કાનપર ગામની સીમમાં રહેતા રામસિંગ તેરસીંગ ડવેજરની ધરપકડ કરી હતી.
પોલીસની પૂછપરછમાં નરાધમે કબૂલાત આપી હતી કે, પોતે પીડિત બાળકીનો પરિવાર જે વાડીમાં મજૂરી કરે છે તેની બાજુની વાડીમાં જ પોતે પણ મજૂરી કરે છે. અહીંથી નીકળતા માસુમ બાળકી ખેતરમાં જ રમતી હતી. જેથી નરાધમની દાનત બગડી હતી. બાળકીને ઉઠાવી નજીકમાં જ પાણીની ટાંકી પાસે લઇ ગયો હતો અને દુષ્કર્મ ગુજારવાની કોશિશ કરી હતી. તેમાં નિષ્ફળ જતાં ઉશ્કેરાયેલા શખ્સે બાજુમાં જ પડેલ લોખંડનો એક ફૂટનો સળીયો બાળકીના ગુપ્તાંગમાં ઘુસાવી લોહીલુહાણ કરી ત્યાં જ બાળકીને મૂકી નાશી ગયો હતો. બાદ તપાસનીશ દ્વારા અદાલતમાં ચાર્જસીટ રજૂ કરવામાં આવી હતી. બાળકીના પિતાએ અદાલતમાં વિસ્તૃત પત્ર લખી બાળકીની આ હાલત કરનાર આરોપી સામે તાત્કાલીક કેસ ચલાવી સખ્ત સજાની માંગ કરી હતી.
બનાવની ગંભીરતા ધ્યાનમાં લઈને કોર્ટે કેસ રોજબરોજ ચલાવવાનો હુકમ કરી 6 દિવસમાં પુરાવો નોંધવાનુ કાર્ય પૂર્ણ કર્યું હતું. બાદ કેસની સુનાવણી ચાલવા પર આવતા બંને પક્ષની રજૂઆત બાદ સરકાર પક્ષ દ્વારા સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો, પુરાવાઓ અને ટાંકેલા વિવિધ ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ સ્પે. કોર્ટના જજ વી. એ. રાણાએ 7 વર્ષની બાળકી ઉપર બનેલ દુષ્કર્મના કેસમા 34 મા દિવસે આરોપી રેમસીગ તેરસીગને તકસીરવાન ઠેરવ્યો છે. જ્યારે સજા અંગે વધુ સુનવણી તા.15/01/2026 ના હાથ ધરવામાં આવશે.આ કેસમાં જિલ્લા સરકારી વકિલ સંજયભાઈ કે. વોરા અને મદદગારીમાં એ.પી.પી. પ્રશાંતભાઈ પટેલ રોકાયા છે.
રીક્ધસ્ટ્રક્શન દરમિયાન હુમલો કરતા પોલીસે આરોપીના બંને પગમાં ગોળી ધરબી દીધી’તી
કાનપર ગામે માસુમ બાળકી ઉપર અમાનુષી કૃત્ય કરનાર સામે પોલીસે પોકસો એક્ટ અને દુષ્કર્મનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ આરોપીને લઈને બનાવ સ્થળે પહોંચી હતી. જ્યાં રીક્ધસ્ટ્રક્શન દરમિયાન આરોપીએ પોલીસ કર્મીઓ ઉપર ધારીયા વડે હુમલો કર્યો હતો. જેના જવાબમાં પોલીસે નરાધમના બંને પગમાં ગોળી ધરબી દીધી હતી. આરોપીને તત્કાલ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને પોલીસ ઉપર હુમલો કરવા બદલ હત્યા પ્રયાસનો અલગથી ગુનો નોંધાયો હતો.
