RMCમાં ભ્રષ્ટાચારે માજા મૂકી! SIT તપાસ જાણવા આવેલા કોંગ્રેસના નેતાઓની ટીંગાટોળી

મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કચેરીના પટાંગણમાં શહેર કોંગ્રેસ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને ભારે ધમાસાણ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મેયર ઓફિસનો ઘેરાવ કરવાનો પ્રયાસ…

મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કચેરીના પટાંગણમાં શહેર કોંગ્રેસ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને ભારે ધમાસાણ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મેયર ઓફિસનો ઘેરાવ કરવાનો પ્રયાસ કરી ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરાયા હતા. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ભારે ઘર્ષણ થયુ હતુ. સ્થિતિ વધુ વણસતાં પોલીસે કોંગ્રેસના આગેવાનોની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.

કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ આ તકે જણાવ્યું હતું કે, જંગલેશ્વર ડિમોલિશનમાં થયેલા લાખો રૂૂપિયાના કટકીકાંડની તપાસ માટે સીટની રચના થયાને આજે દોઢ મહિના પછી પણ કોઈ નક્કર કામગીરી થવાના બદલે બધું ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. પૂર્વ મેયરના મકાનનું ગેરકાયદેસર બાંધકામ ચાલુ છે તેમજ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા 450 વારમાં ગેરકાયદેસર રીતે બંગલાનું નિર્માણ થઈ રહ્યું હોવાનો કરોડો રૂૂપિયાનો ભ્રષ્ટાચાર પ્રજા અને વિપક્ષ સામે આવી ચૂક્યો છે.

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ જે ભ્રષ્ટાચારી શાસન કર્યું છે, સીટન નામે ભ્રષ્ટાચાર પર પડદો પાડવાખો ખેલ થઇ રહ્યો છે. આરોગ્યનો પ્રશ્ન હોય, ગંદા પાણીનો પ્રશ્ન હોય, અનેક એવા પ્રશ્નો છે તંત્ર એમાં ધ્યાન નથી દેતું. હાલનાં કમિશ્નરની આગેવાનીમાં તંત્ર ભ્રષ્ટાચારી થઈ ગયું છે. અને મેયર માત્ર મોટી-મોટી વાતો કરે છે. તપાસનો રિપોર્ટ જાહેર કરે તો અમે માનશું કે પાણીયારા મેયર છે. વધુમાં તેમણે જણાવ્યું કે, આજે પ્રજાનો અવાજ બનીને અમે આવ્યા છીએ. શું નડે છે, તમે કોની લાજ કાઢો છો? તમે કમિશ્નર છો, મહાનગરપાલિકા તમારી, ગુજરાત સરકાર તમારી, કેન્દ્ર સરકાર તમારી, છતાં જંગલેશ્વર કટકીકાંડમાં 50 દિવસની અંદર 3-3 સીટના ચેરમેન બદલવા પડ્યા છે.

તમે કોની લાજ કાઢી રહ્યા છો? તમે આ રિપોર્ટ જાહેર કરો. સાથે જ રાજકોટની જનતા ગંદા પાણીથી પીડાય છે, ગંદકીથી પીડાય છે, આરોગ્ય ક્ષેત્રે પીડાય છે. આવા પ્રશ્નોને વાચા આપવાના બદલે તમે માત્ર ભ્રષ્ટાચાર કરો છો. પ્રદર્શન અને દેખાવો કરવામા જશવંતસિંહ ભટ્ટી, ડી.પી.મકવાણા, રણજીત મુંધવા, ગોપાલભાઇ અનડકટ, સંજયભાઇ અજુડિયા, નીતિન ભંડેરી, વૈશાલીબેન શિંદે, મેહુલ મકવાણા, જયદીણ મિયાત્રા, કનકસિંહ જાડેજા, હરદીપભાઇ રાઠોડ, આર્યનભાઇ કુરેશી, હરેશભાઇ ભારાઇ, સુરેશભાઇ ગરૈયા, ડાયાભાઇ શેઠિયા સહિતના મોટી સંખ્યામાં જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *