પોલીસે ગુનો નોંધી બંન્નેની શોધખોળ હાથ ધરી
ભેસાણ તાલુકાના પરબ વાવડી ગામે નર્મદા પાઈપ લાઈન મુદે કોન્ટ્રાકટર પિતા, પુત્રએ આધેડ પર હુમલો કરી ધમકી આપી હતી. બનાવ અંગે મળતી વિગતો અનુસાર ભેસાણ તાલુકાના પરબ વાવડી ગામે રહેતા અને પરબ ખાતે પાન-બીડીની દુકાન ચલાવતા 45 વર્ષીય આણંદભાઈ દેવરાજભાઈ કોરાટ સોમવારે રાત્રિના સમયે પોતાની દુકાન બંધ કરી ઘરે જઈ રહ્યા હતા.
આ દરમિયાન પરબ ચોકડી પાસે ગામના જ રાજુભાઈ જીવરાજભાઈ મોવલીયા અને તેનો પુત્ર ધ્રુવીલ ત્યાં ધસી આવ્યા હતા અને આણંદભાઈને રોકી જણાવ્યું હતું કે, ’ગામમાં નર્મદા પાઈપ લાઈન નાખવાનું કામ અમે રાખેલ છે, તેમાં તું કેમ દખલગીરી કરે છે?’ તેમ કહી બોલાચાલી કરી ઉશ્કેરાયેલા પિતા-પુત્રએ આણંદભાઈ સાથે ઝપાઝપી કરી હતી અને રાજુભાઈએ તેમને ગાલ પર જોરદાર ઝાપટ મારી દીધી હતી. હુમલા બાદ બંનેએ ગાળો ભાંડી હતી અને ’હવે પછી કામમાં દખલગીરી કરીશ તો જાનથી મારી નાખીશું’ તેવી ધમકી આપી નાસી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત આધેડે આ અંગે ભેસાણ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પિતા, પુત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
