કોંગ્રેસ-ભાજપના કાર્યકરોએ મળી કારખાનેદાર પાસે 1 કરોડની ખંડણી માંગી

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના શાપર ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી પંચનાથ ઓટો પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સંચાલકોને સરકારી એજન્સીઓનો ખોટો ભય બતાવી તોડબાજી કરવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે.…

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના શાપર ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી પંચનાથ ઓટો પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સંચાલકોને સરકારી એજન્સીઓનો ખોટો ભય બતાવી તોડબાજી કરવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. પ્રતાપ મગનસિંહ સોલંકી નામના શખ્સે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ઉચ્ચ અધિકારીઓ સાથે સીધી ઓળખાણ હોવાનો દાવો કરી કંપની વિરુદ્ધ પ્રદૂષણ બોર્ડ કે અન્ય વિભાગો દ્વારા કોઈ કાર્યવાહી નહીં થવા દેવાના બહાને ₹1 કરોડની માગણી કરી હતી. ત્યારબાદ ₹30 લાખમાં સમાધાન કરી એડવાન્સ પેટે ₹1 લાખ પડાવી લીધા હતા. આ મામલે શાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા રાજકોટ રૂૂરલ પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપી તેમજ કંપનીની આંતરિક વિગતો લીક કરતા કંપનીના જ કર્મચારીની ધરપકડ કરી છે. પોલીસે આરટીઆઇ એકટીવસ્ટ અને ભાજપના લોધીકા તાલુકા પંચાયતના પુર્વ મહિલા સભ્યના પતિની ધરપકડ કરી છે.

શાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી પંચનાથ ઓટો કંપની અલગ-અલગ વાહનોના પાર્ટ્સ તેમજ વાહનો બનાવવાનું કામકાજ કરે છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આ ગુનામાં કંપનીમાં લાંબા સમયથી નોકરી કરતા ધીરુભાઈ રામજીભાઈ ચાવડા નામના કર્મચારીની સીધી સંડોવણી હતી. ધીરુભાઈ કંપનીની અંદરની તમામ ગતિવિધિઓ અને ગુપ્ત માહિતી પ્રતાપ સોલંકીને પહોંચાડતો હતો, જેના આધારે આરોપી કંપનીના માલિક અને ડિરેક્ટર્સ પાસેથી ખંડણી પડાવવા કારસો રચ્યો હતો.આરટીઆઇ એકવીસ્ટ અને કહેવાતા કોંગ્રેસના કાર્યકર પ્રતાપ સોલંકીએ પોતે ઇન્કમટેક્સ, જીએસટી અને જીપીસીબીમાં ઓળખાણ ધરાવતો હોવાનો રોફ જમાવ્યો હતો. તેણે કંપનીના વકીલ મારફતે ₹30 લાખની માગણી કરાવી હતી.

કંપની સંચાલકોએ પૈસા આપવાનો ઇનકાર કરતાં આરોપી કંપની પરિસરમાં ધસી ગયો હતો અને ગાળાગાળી કરી “એકાદાના ટાંટિયા ભાંગી નાખવામાં કે મારી નાખવામાં મને વાર નહીં લાગે” તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વધુમાં, જો બાકીના નાણાં નહીં ચૂકવાય તો જીએસટી, પોલ્યુશન બોર્ડ અને એટ્રોસિટીની ખોટી ફરિયાદો કરવાની તેમજ પોતાના ફેસબુક પેજ પર કંપની વિરુદ્ધ અપપ્રચાર કરી બદનામ કરવાની ધમકી આપી બળજબરીથી ₹1 લાખ કઢાવી લીધા હતા.બાકી રહેતા ₹29 લાખની ઉઘરાણી માટે સતત ધમકીઓ મળતાં કંપની સંચાલકોએ શાપર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપી પ્રતાપ સોલંકી અને માહિતી પૂરી પાડનાર કર્મચારી ધીરૂૂભાઇ ચાવડા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) ની કલમ 308(5) અને 351(3) હેઠળ ગુનો દાખલ કરી બંનેને દબોચી લીધા હતા. પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી બળજબરીથી કઢાવેલી ₹1 લાખની રોકડ અને અન્ય સાધનો મળી કુલ ₹1.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અસામાજિક તત્વોથી ડર્યા વગર તાત્કાલિક સંપર્ક કરો: એસ.પી. વિજયસિંહ ગુર્જર
રાજકોટ રૂૂરલ એસ.પી. વિજયસિંહ ગુર્જરે આ સફળ કાર્યવાહી બાદ વેપારીઓ અને ઉદ્યોગપતિઓને અપીલ કરતાં જણાવ્યું હતું કે, જો કોઈ પણ વ્યક્તિ તમારી પેઢી કે ફેક્ટરી પર આવીને પોતે કોઈ સરકારી વિભાગનો અધિકારી છે, મીડિયાકર્મી છે કે લાગવગ ધરાવે છે તેમ કહી તોડબાજી કે બળજબરીથી ઉઘરાણી કરવાનો પ્રયાસ કરે, તો સહેજ પણ ડર્યા વિના કે નાણાં આપ્યા વિના તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી. પોલીસ તંત્ર આવા અસામાજિક તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવા સંપૂર્ણ કટિબદ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *