ભાજપના ઈશારે પોલીસ મતદારો અને ટેકેદારોને ધમકાવતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી સામાન્ય ચૂંટણીઓમાં પોલીસ તંત્રની કામગીરી સામે શહેર કોંગ્રેસે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ આજે…

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી સામાન્ય ચૂંટણીઓમાં પોલીસ તંત્રની કામગીરી સામે શહેર કોંગ્રેસે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ આજે જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીને એક લેખિત આવેદનપત્ર પાઠવીને આક્ષેપ કર્યો છે કે, પોલીસ વિભાગના કેટલાક કર્મચારીઓ સત્તાધારી પક્ષ ભાજપના ઈશારે કામ કરીને સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરી રહ્યા છે.

કલેક્ટરને કરેલી રજૂઆતમાં જણાવાયું છે કે, રાજકોટ શહેર પોલીસમાં અને ખાસ કરીને ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવતા અમુક ગણ્યા-ગાંઠ્યા કર્મચારીઓ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી રહ્યા છે. તેઓ ભાજપના ઈશારે હરીફ પાર્ટીઓના ટેકેદારો, સમર્થકો અને મતદારોને ધમકાવી રહ્યા છે. કોંગ્રેસનો આરોપ છે કે આ પ્રકારની ગેરબંધારણીય પ્રવૃત્તિઓને કારણે શહેરમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજાય તેવું વાતાવરણ રહ્યું નથી.
કોંગ્રેસે પોતાના પત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, પોલીસ તંત્ર પોતાની બંધારણીય ફરજ ચૂકી રહ્યું છે. શાસક પક્ષને ખુશ કરવા માટે વિપક્ષી નેતાઓ અને કાર્યકર્તાઓને ખોટી ફરિયાદોમાં ફિટ કરી દેવામાં આવે છે. આવા કૃત્યોથી સમગ્ર શહેર પોલીસ તંત્ર બદનામ થઈ રહ્યું છે.

શહેર કોંગ્રેસ પ્રમુખે ચીમકી ઉચ્ચારી છે કે, જો પોલીસ તંત્રના આવા ભ્રષ્ટ અને પક્ષપાતી કર્મચારીઓ સામે ચૂંટણી પંચ અને કલેક્ટર દ્વારા કડક કાર્યવાહી કરવામાં નહીં આવે, તો એક રાષ્ટ્રીય રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસ માટે આ ચૂંટણીઓ લડવી અશક્ય બની જશે. તેમણે ન્યાયિક અને વહીવટી વડા તરીકે કલેક્ટરને આ મામલે તાત્કાલિક અને યોગ્ય ન્યાયોચિત કાર્યવાહી કરવા અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *