ભાજપનું ટિકિટ ફાળવણીનું આખું “મિકેનિઝમ” જ શંકાના દાયરામાં, ભાગબટાઇએ કર્યો ભડકો
હકદાર જ્ઞાતિઓને કાપી મામા-કાકાઓને સાચવવાની રમતમાં પાયાના કાર્યકરો કોરણે ધકેલાયા
ટિકિટ ફાળવણી બાદ ઉઠેલી અસંતોષની આગ પાછળ અનેક કારણો જવાબદાર
ડેમેજ કંટ્રોલરોની તંગી, ફાયરફાઈટર ગાયબ, શહેર પ્રમુખ લાચાર, પ્રદેશ નેતાઓને રસ નથી
મહાનગરપાલિકાની સાથો સાથ અન્ય સરકારી સંસ્થાઓ માટેની ચૂંટણીઓ માટેના પડઘમ વાગી ગયા તેના ભાઈ ગણતરીના 6 દિવસ જ બાકી રહ્યા છે. ત્યારે દરેક રાજકીય પક્ષ પોતાની લગાવી રહ્યું છે. ત્યારે આ વખતે ભાજપની વાત કરવામાં આવે તો તેમના માટે આ ચૂંટણી સરળ નહીં રહે કારણ કે બેઠક વહેંચણીનો મુદ્દો હાલ ભાજપ માટે અત્યંત પેચીદો બની ગયો છે. કોઈપણ આગેવાન અથવા તો પ્રદેશ સંગઠનનું શીર્ષ નેતૃત્વ રાજકોટમાં આવવા તૈયાર નથી. કારણ કે અહીં વિવિધ સમાજના રોષના પગલે હાલ ઉકળતો ચરું રાજકોટમાં જોવા મળી રહ્યો છે જેને લઈને હાલ ભાજપ કઈ રણનીતિ અપનાવે તે અંગે પણ અનેકવિધ પ્રશ્નો ઉઠી રહ્યા છે. રાજકીય વર્તુળોના જણાવ્યા અનુસાર વસ્તીના આધારે ટિકિટની ફાળવણી કરવામાં આવી છે કે વેચાણ કરવામાં આવ્યું છે તે અંગે અનેકવિધ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
મહત્વની વાત તો એ છે કે જો વસ્તી આધારે ગણતરી કરવામાં આવતી હોય તો જે ઉમેદવારોને ટિકિટ આપવામાં આવેલી છે તે ઘણા ખરા છે વિરોધાભાસી છે. ભાજપે અગાઉ આ મુદ્દે સહેજ પણ હેરાનગતિનો સામનો કરવો પડ્યો નથી પરંતુ આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી ભાજપ માટે માથાના દુખાવા સમાન છે. હાલ રાજકીય વર્તુળોમાં જે ચર્ચા થઈ રહી છે તેમાં ભાજપનું ટિકિટ ફાળવણીનું સંપૂર્ણ મેકેનિઝમ જ શંકાના દાયરામાં છે. ત્યારે રાજકોટના રાજકારણમાં જાણે ભાગબટાઈ ટિકિટો માટે કરી હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આવનારી ચૂંટણીમાં મતદારોનો મિજાજ શું હશે તેના પર અનેકવિધ સવાલો ઉઠી રહ્યા છે.
મળતી માહિતી મુજબ એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે હકદાર જ્ઞાતિઓને કાપી મામા કાકાઓને સાચવવાની રમતમાં પાયાના કાર્યકરો કોરણે ધકેલાયા છે. એટલું જ નહીં ટિકિટ ફાળવણી બાદ ઉઠેલી અસંતોષની આગ પાછળ પણ અનેકવિધ કારણો જવાબદાર સાબિત થઈ રહ્યા છે. ત્યારે જે છબી ભાજપે અગાઉ ઊભી કરી હતી કે ફાટે શિસ્તમાં માનનારી પાર્ટી છે અને પાર્ટી લાઈનના વિચાર સાથે કાર્યકરો તથા આગેવાનો જોડાયેલા છે તે વાત ઉપર આ વખતે ઘણા ખરા સવાલો ઉઠ્યા છે. હાલ રાજકોટ ભાજપમાં જે ગળમથલ ચાલી રહી છે અને બેઠક વહેંચણીનો મુદ્દો જે ચર્ચાનો વિષય બન્યો છે તેમાં સ્થાનિક સંગઠન ડેમેજ કંટ્રોલ કરવામાં સંપૂર્ણ નિષ્ફળ નીવડ્યું છે તો બીજી તરફ પ્રદેશ સંગઠન પણ હાલ આ અંગે કોઈ નક્કર પગલા લઈ શક્યું નથી.
અગાઉ પ્રદેશ સંગઠનમાં ઘણા ખરા એવા આગેવાનો અને રાજકીય નેતાઓ જોવા મળ્યા કે કોઈપણ પ્રશ્નનું તાકીદે નિરાકરણ આવી ગયું હોય પરંતુ હાલ બેઠક વહેંચણીનો મુદ્દો અત્યંત જટિલ પુરવાર થઈ રહ્યો છે અને આ મુદ્દાને નિવારવા માટે કોઈ સક્ષમ ચહેરો સામે આવ્યો નથી. વર્તુળોના જણાવ્યા અનુસાર હાલ ભાજપના ફાયર ફાઈટરો નજરે પડ્યા નથી તો શહેર પ્રમુખ પણ લાચારી અનુભવી રહ્યા છે તો બીજી તરફ પ્રદેશ નેતાઓને પણ હાલ આ બાબતે કોઈ રસ ન હોવાનું પણ જાણવા મળ્યું છે અને તેવી સ્થિતિ પણ નિર્માણ પામી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આવનારા સમયમાં હાલજે પરિસ્થિતિ જોવા મળી છે તેમાંથી ભાજપ કઈ રીતે રસ્તો કાઢશે અને શું ડેમેજ કંટ્રોલ થશે કે કેમ ?
મનપા ચૂંટણીમાં ભાજપની “ક્લીનસ્વીપ” કે કોંગ્રેસને તકનુ તેડું ? : AAPને વકરો એટલો નફો
સૌરાષ્ટ્રના આર્થિક પાટનગર ગણાતા અને સ્માર્ટ સિટી તરીકે ઉભરી રહેલા રાજકોટ મહાપાલિકાના શાસનની ધુરા કોણ સંભાળશે તેનો નિર્ણય હવે નજીક છે. રાજકોટ મનપાના 18 વોર્ડની 72 બેઠકો માટે આગામી તારીખ 26ના રવિવારે મતદાન થવાનું છે. કાળઝાળ ગરમી અને આકરા તાપ વચ્ચે યોજાનારી આ ચૂંટણી પૂર્વે શહેરના 51 વર્ષના રાજકીય ઇતિહાસ પર નજર કરીએ તો રાજકોટની પ્રજાએ મોટા ભાગે કેસરિયા પક્ષ પર જ કળશ ઢોળ્યો છે. મનપાની સ્થાપનાથી અત્યાર સુધીના પાંચ દાયકાના સમયગાળામાં 8 ચૂંટણી યોજાઈ છે. જેમાં 46 વર્ષ સુધી ભાજપે સત્તા ભોગવી છે. જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર પાંચ વર્ષનું શાસન આવ્યું છે. આગામી ચૂટણીમાં ભાજપનાં ગઢમાં ગાબડું પાડવા કોંગ્રેસ અને ’આપ’ પણ મેદાનમાં ઉતર્યા છે.આગામી 26 એપ્રિલનાં યોજાનાર મતદાનમાં ભાજપ પોતાના 46 વર્ષના ગઢને સુરક્ષિત રાખવા એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. ભાજપના ગણિત મુજબ જો તેઓ ફરી સત્તા પર આવશે તો નવા મેયર અને પદાધિકારીઓ કોણ હશે તેની અટકળો પણ અત્યારથી તેજ બની છે. બીજી તરફ, વર્ષોથી વનવાસ ભોગવી રહેલી કોંગ્રેસ નવી આશા સાથે મેદાનમાં છે. તો ત્રીજો પક્ષ એટલે કે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે.
ત્યારે શું રાજકોટની જનતા ફરી એકવાર ભાજપના શાસન પર મહોર મારશે કે પછી 2000ની સાલની જેમ કોંગ્રેસને સતા સોંપશે કે ત્રીજો પક્ષ ફાવશે તેનો જવાબ આગામી દિવસોમાં મતપેટીમાંથી બહાર આવશે. હાલમાં આકરા તાપ વચ્ચે રાજકીય ગરમાવો ચરમસીમાએ છે. હાલ ભાજપ વિરોધ વચ્ચે પણ ક્લીનસ્વીપ કરશે કે મતદારો કોંગ્રેસને તકનું તેડું આપશે કે પછી આમ આદમી પાર્ટીને વકરો એટલો નફો તે પ્રકારની સ્થિતિ ઊભી થશે. ઇતિહાસ સાક્ષી છે કે ગમે તેટલું વિરોધ ભાજપમાં થયો હોય અથવા તો મતદારોની નારાજગી જોવા મળી હોય છતાં એન્ડ સમયે મત પેટીમાં ભાજપ તરફી જ મત પડ્યા છે તેવી એક નહીં અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે આ વખતે ટિકિટ વહેચણીના મુદ્દાની સાથોસાથ જે પાયાની સુવિધાઓથી લોકો હેરાન પરેશાન થયા છે તેને નિવારવામાં ભાજપના નગરસેવકો નિષ્ફળ પુરવાર થયા ત્યારે આ વખતે કોંગ્રેસ માટે પણ જીતની તક છે.
શહેરની મુખ્ય જ્ઞાતિઓ અને તેને ફાળવવામાં આવેલી ટિકિટ
પ્રદેશ ભાજપ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે 28 જ્ઞાતિને મેદાને ઉતારી છે તેમાં આઠ મુખ્ય જ્ઞાતિઓની વાત કરવામાં આવે તો ઘણી જ્ઞાતિઓ એવી છે જે વસ્તી પ્રમાણે ટિકિટ ફાળવણી બરોબર થઈ નથી તેવી ચર્ચા જાગી છે. શહેરમાં ઘણી જ્ઞાતિઓ છે કે જેને ટિકિટ વહેચણીમાં અસંતોષ જોવા મળ્યો હોય અને તે સમાજે ભાજપ સામે વિરોધ પણ નોંધ્યો હોય. ત્યારે પક્ષ માટે હાલ લોઢાના ચણા ચાવવા સમાન સ્થિતિ ઊભી થઈ છે.

