જામનગરની જી.જી. હોસ્પિટલમાં એક મહિલા તબીબે પ્રોફેસર ડો. દીપક રાવલ સામે જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી છે.
પીડિત મહિલા તબીબે જણાવ્યું કે, જ્યારે તેઓ જામનગર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા હતા અને એમ.ડી. માટે જી.જી. હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા હતા, ત્યારે ડો. રાવલ તેમની સામે ખરાબ નજરથી જોતા હતા અને તેમના ફોટા પાડીને તેમને મોકલતા હતા. ડો. રાવલ કહેતા હતા કે, તું બહુ સુંદર છે. મહિલા તબીબે વધુમાં જણાવ્યું કે, ડો. રાવલ અન્ય મહિલા રેસિડેન્ટ ડોક્ટરો સાથે પણ અશોભનીય વર્તન કરતા હતા. તેઓ ઓપરેશન થિયેટરમાં પણ આવીને કહેતા હતા કે, આજકાલ તું મારી સામે જોતી નથી.સ્ત્રસ્ત્ર જેના કારણે તેઓ ખૂબ જ શરમ અનુભવતા હતા.
પીડિત મહિલા તબીબે જણાવ્યું કે, તેઓ રેસિડેન્સી દરમિયાન નાપાસ થવાના ડરથી ફરિયાદ કરી શક્યા ન હતા, પરંતુ હવે તેઓએ ફરિયાદ કરવાની હિંમત કરી છે. તેમણે માંગણી કરી છે કે, ડો. રાવલ સામે યોગ્ય પગલાં લેવામાં આવે, જેથી દર્દીઓ અને પીજી કરતા રેસિડેન્ટોનું હિત જળવાય. આ ઘટનાથી જામનગરના તબીબી આલમમાં ખળભળાટ મચી ગયો છે અને અન્ય મહિલા તબીબો પણ પોતાની આપવીતી જણાવવા માટે આગળ આવી શકે છે.
જામનગરની મેડિકલ કોલેજમાં જાતીય સતામણીની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે. ડો. દીપક રાવલ સામે અનેક મહિલાઓએ જાતીય સતામણીની ફરિયાદ કરી હોવા છતાં કોલેજના ડીન કે અન્ય કોઈ અધિકારીએ તેમની સામે કોઈ પગલાં લીધા નથી. જેના કારણે ડો. રાવલ બેફામ બની ગયા છે અને મહિલાઓમાં તેમનો ખૌફ ફેલાઈ ગયો છે.
જો યોગ્ય સમયે પગલાં લેવામાં આવ્યા હોત તો જાતીય સતામણીની આવી અનેક ઘટનાઓ સામે ન આવી હોત. આધારભૂત સૂત્રો જણાવે છે કે, વિભાગીય વડા દ્વારા પણ ડો. રાવલ સામે અનેક રજૂઆતો અને ફરિયાદો કરાઈ હતી, પરંતુ તેના પર કોઈ ધ્યાન અપાયું ન હતું. જેના કારણે પીડિત મહિલાઓનો વિશ્વાસ તૂટી ગયો છે અને તેઓ ન્યાય માટે લડી રહી છે. આ મામલે કોલેજ પ્રશાસન અને ડીન દ્વારા યોગ્ય નિર્ણય લેવો જોઈએ અને ડો. રાવલ સામે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.