જામનગરના કોર્પોરેટર અસલમ ખીલજી પર અલ્તાફ ખફીએ ખૂની હુમલો કરાવ્યાની ફરિયાદ

  જામનગરના વિરોધ પક્ષના પૂર્વ નેતા અને વોર્ડ નંબર 12 ના કોર્પોરેટર અસલમ ખીલજી પર હુમલો કરવા અંગેના પ્રકરણમાં રાજકીય રાગ દ્વેષ સામે આવ્યો છે,…

 

જામનગરના વિરોધ પક્ષના પૂર્વ નેતા અને વોર્ડ નંબર 12 ના કોર્પોરેટર અસલમ ખીલજી પર હુમલો કરવા અંગેના પ્રકરણમાં રાજકીય રાગ દ્વેષ સામે આવ્યો છે, અને તે જ વોર્ડના અન્ય કોર્પોરેટર અલ્તાફ ખફીએ તેના પાંચ સાગરીતો મારફતે આ જીવલેણ હુમલો કરાવ્યાની પોલીસ ફરિયાદ નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે. પોલીસે પૂર્વ વિપક્ષી નેતા સહિત છ આરોપીઓ સામે હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, જ્યારે ઇજાગ્રસ્ત કોર્પોરેટર અસલમ ખીલજી ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવને લઈને શહેરમાં ભારે ચકચાર જાગી છે.

આ કેસ ની વિગત એવી છે કે જામનગરના વોર્ડ નંબર 12 ના વર્તમાન કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખીલજી કે જેઓ ઉપર ગઈકાલે સાંજે ભીડભંજન રોડ પર હુમલો કરાયો હતો. જેઓ પોતાનું બાઈક લઈને મહાનગર પાલિકાની કચેરી માંથી બહાર નીકળ્યા દરમિયાન એક કારમાં પાંચ શખ્સો ધારદાર હથિયાર સાથે ઉતરી પડ્યા હતા, અને તેઓને માથાના ભાગે, હાથ અને પગમાં હુમલો કરી દેતાં સારવાર માટે સૌ પ્રથમ જી.જી. હોસ્પિટલમાં અને ત્યારબાદ એસટી રોડ પર ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, અને હાલ તેઓ સારવાર હેઠળ છે.

આ બનાવ અંગે મોડી રાત્રે ઇજાગ્રસ્ત અસલમ ખીલજીના ભત્રીજા શાહનવાજ મોહમ્મદ હનીફ ખીલજીએ સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, અને વોર્ડ નંબર 12 ના કોર્પોરેટર અલતાફભાઈ ખફી ના કહેવાથી રાજકીય રાગદ્વેષ ના કારણે આ હુમલો કરાયો છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આ બનાવનુ કારણ એ છે કે, ફરિયાદી ના કાકા અસલમભાઇ ખીલજી રાજકીય આગેવાન હોય અને તેઓને કોર્પોરેટર અલ્તાફભાઈ ખફી સાથે રાજકીય વાંધા ચાલતા હોય જે બાબતનો ખાર રાખી તે ઓને મારી નાખવાના ઇરાદા થી કોર્પોરેટર અલ્તાફભાઈ ખફીએ પોતાના માણસો જુનેદ ઉર્ફે પાવડરીયો ઉર્ફે જુનીયો 5ટણી રજાકભાઈ ચૌહાણ, ઇસ્તીયાક ઉર્ફે ચોટલી બોદુભાઈ કુરેશી, સલીમ વલીભાઈ ખીલજી, હબીબ ખફી, તથા સમીર ઉર્ફે ચોર શકીલભાઇ ચૌહાણ વગેરેને મોકલી તેઓએ અસલમભાઈને જાન થી મારી નાખવાના ઇરાદા થી તલવાર તથા લોખંડના પાઈપ તથા લાકડાના ધોકા વડે ત થા શરીરે ઢીકા પાટુનો માર મારતા અસલમભાઇને માથામાં ઇજા તથા ડાબા હાથમાં ફેકચર તથા બંને પગમા ઘુંટણથી નીચેના ભાગે ફેકચરની ઇજા થઈ છે.

સીટી એ. ડિવિઝન ના ઇન્ચાર્જ પી.આઇ. પી. પી. ઝા અને તેઓની સમગ્ર ટીમેં આ પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂૂ કરી છે. અને હુમલાખોર આરોપીઓને પકડવા માટે રાત્રી પર કોમ્બિંગ હાથ ધર્યું છે. કેટલાક આરોપીઓ અથવા શંકાસ્પદ વ્યક્તિ પોલીસના હાથમાં આવી ગયા છે. અને તેઓની પૂછપરછ ચલાવાઇ રહી છે. આ બનાવને લઈને કાલાવડ નાકા બહાર પટણીવાડ સહિતના વિસ્તારમાં ભારે તંગદિલી ફેલાયેલી છે, અને પોલીસે સજ્જડ બંદોબસ્ત જાળવ્યો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *