આઉટ થવા મુદ્દે પરિસ્થિતિ તંગ થતા ડિરેક્ટરે દોડવું પડયું
પાકિસ્તાન સુપર લીગમાં ગુરુવારે રાવલપિંડીઝ સામેની મેચમાં કરાચી કિંગ્સના કેપ્ટન ડેવિડ વોર્નર ( અને આ જ ટીમના ઑલરાઉન્ડર મોઇન અલી વચ્ચે થોડી ગરમાગરમી થઈ હતી અને એકમેકની નજીક આવી ગયેલા બન્ને ખેલાડીને ઠંડા પાડવા ટીમના ડિરેકટર હૈદર અઝહરે દોડી આવવું પડ્યું હતું.
કરાચી કિંગ્સે રાવલપિંડીઝને મેચની અંતિમ ઓવરમાં પાંચ વિકેટે હરાવીને સતત ત્રીજી મેચ જીતી લીધી હતી. એ મેચમાં મોઇન એક પણ વિકેટ નહોતો લઈ શક્યો અને મેચની અંતિમ ક્ષણોમાં (20મી ઓવરના પ્રથમ બોલમાં) એલબીડબ્લ્યૂ થતાં કરાચી કિંગ્સના ખેલાડીઓ અને ચાહકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. જોકે અબ્બાસ આફ્રિદીએ મોઇનના સ્થાને બેટિંગમાં આવ્યા બાદ (ડેરિલ મિચલની એ ઓવરના) પહેલા જ બોલમાં સિક્સર ફટકારીને કરાચી કિંગ્સને રોમાંચક વિજય અપાવ્યો હતો. સલામતીના કારણસર પીએસએલની મેચોમાં પ્રેક્ષકોને સ્ટેડિયમમાં આવવાની મનાઈ છે.
મેચ પછી થોડી વાર બાદ વોર્નર અને મોઇન વચ્ચે બોલાચાલી થતાં પરિસ્થિતિ તંગ થઈ ગઈ હતી. આ ઝઘડાનું કારણ તો સ્પષ્ટ નહોતું થયું, પણ એવું મનાય છે કે મોઇન આખરી ઓવરમાં આઉટ થઈ ગયો એ મુદ્દે તકરાર થઈ હતી. આઇપીએલની સામે પીએસએલની લોકપ્રિયતા ખૂબ જ ઓછી છે, પરંતુ આવી કોઈ ઘટનાને લીધે પાકિસ્તાની ટૂર્નામેન્ટની સોશ્યલ મીડિયામાં ચર્ચા થઈ જતી હોય છે.
