પીજીવીસીએલ વિરૂધ્ધ રૂા.25 લાખ વ્યાજ સહિત વસૂલવાનો દાવો રદ

ગોંડલના હડમતાળા ખાતે બહેનને લાગેલા વીજશોકથી બચાવવા દોડેલા ભાઇનું મૃત્યુના કિસ્સામાં પીજીવીસીએલ પાસે રૂૂ. 25 લાખ વળતર 10% વ્યાજ સાથે વસૂલ કરવાનો દાવો કોર્ટે ફગાવી…

ગોંડલના હડમતાળા ખાતે બહેનને લાગેલા વીજશોકથી બચાવવા દોડેલા ભાઇનું મૃત્યુના કિસ્સામાં પીજીવીસીએલ પાસે રૂૂ. 25 લાખ વળતર 10% વ્યાજ સાથે વસૂલ કરવાનો દાવો કોર્ટે ફગાવી દીધો હતો.
આ કેસની હકીકત મુજબ, ગોંડલ તાલુકાના હડમતાળા ગામે રહિમભાઈ ગફારભાઈ કયાડાનું વીજશોકથી મૃત્યુ થયું હોવાનું જણાવી તેમના પત્ની રેશ્માબેન રહીમભાઈ કયાડાએ રાજકોટની અદાલતમાં નોંધાવેલા દાવામાં એવું જણાવેલ હતું કે, તા. 31/ 07/ 12ના રોજ વહેલી સવારમાં ગુજરનાર રહીમભાઈના બેન સલમાબેન કચરો વાળતા હતા. સલમાબેનને કચરો વાળતી વખતે શોર્ટ લાગતા બુમો સાંભળી રહીમભાઈ તેમને બચાવવા જતાં પડી ગયેલા અને તેઓને મોઢે વીજશોક લાગતા મૃત્યુ થઈ ગયું હોવાના કથન સાથે અને પીજીવીસીએલની બેદરકારીના કારણે તેમજ અર્થિંગ વાયરની યોગ્ય જાળવણી ન કરવાના કારણે ઈલે. શોર્ટના કારણે રહીમભાઈ ગફારભાઈ (ઉ.વ. 24)નું અવસાન થયું હોવાનું જણાવી રાજકોટની અદાલતમાં રૂૂા. 25 લાખ 10 % વ્યાજ સાથે મેળવવા દાવો કરેલ હતો.

આ દાવાના કામે પીજીવીસીએલ ગોંડલને સમન્સ બજવણી થતા તેઓના વકીલ જીતેન્દ્ર એમ. મગદાણી મારફત વિગતવાર જવાબ વાંધા તથા દસ્તાવેજી પુરાવા લિસ્ટ રજુ કરેલા અને દાવાના કામમાં નાયબ ઈજનેર ગોંડલ નીતેષ રણછોડભાઈ ગામીત તથા અન્ય નાયબ ઈજનેર તપાસ કરનાર, અધિકારી રિતેષકુમાર શંકરભાઈ ચૌધરીને તપાસેલ હતા, તેમણે અદાલત સમક્ષ વિગતવાર જુબાનીમાં જણાવેલ કે જે જગ્યાએ બનાવ બનેલ છે, ત્યાં આગળ 15 દિવસ અગાઉ જ નવી ઇન્સ્યુલેટેડ લાઈન નાંખેલ હતી અને તે લાઈન ગુજરનારના પિતાએ અરજી કરતા નાખેલ હતી અને જ્યારે બનાવ બનેલ ત્યારે સદરહુ લાઈન કપાયેલી હાલતમાં જોવા મળેલ. જેથી તે તમામ હકીકતો પીજીવીસીએલ દ્વારા તેમના એડવોકેટ મારફત રેકર્ડ ઉપર લાવવામાં આવી હતી. ત્યારબાદ બન્ને પક્ષોએ અદાલતમાં વિગતવાર લંબાણપૂર્વક દલીલ કરેલ, જેના અનુસંધાને જજ આર. આર. મીસ્ત્રીએ તમામ પુરાવાઓ તથા રજૂ થયેલ કાયદાકીય આધાર-પુરાવાઓની છણાવટ કરી જણાવેલ હતું કે, માત્ર શોર્ટ લાગીને મૃત્યુ પામવાથી પીજીવીસીએલ વળતર ચુકવવા જવાબદાર બનતું નથી. આ કેસમાં પીજીવીસીએલની બેદરકારીથી શોર્ટ લાગેલ હોય તેવું બનેલ નથી.

પથમ શોર્ટ લાગનાર સલમાબેન જેને બચાવવા જતા ગુજરનારનું અવસાન થયેલ છે. તેને તપાસેલ નથી. ઈલે. શોર્ટના બનાવની તપાસ કરનાર અધિકારીના સ રિપોર્ટ મુજબ, સલમાબેનને વીજશોક લાગતા રહીમભાઈ તેને બચાવવા જતાં લપસી પડવાથી જમીન પર જોરથી પડી જવાના કારણે અથવા બીજા કોઈ કારણે મૃત્યુ થયેલ હોવાનું જણાવાયું છે. તેમાં પીજીવીસીએલને જવાબદાર ગણી શકાય નહીં, આથી વાદીનો પીજીવીસીએલ પાસેથી વ્યાજ સાથે વળતર મેળવવાનો દાવો રદ કર્યો છે. આ કામમાં પીજીવીસીએલ વતી ધારાશાસ્ત્રી જીતેન્દ્ર એમ. મગદાણી તથા જય જે. મગદાણી રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *