મુખ્યમંત્રી દ્વારા આઈટીઆઈ માટે 40 ઈલેક્ટ્રિક કાર અને 50 ધનવંતરી રથનું લોકાર્પણ

આઈટીઆઈમાં મોટર મિકેનિક ટ્રેડમાં તાલીમ લઈ રહેલા યુવાઓને ઈલેક્ટ્રિક વ્હીકલ્સ સંલગ્ન પ્રાયોગિક તાલીમથી સજ્જ બનાવાશે રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ આઈ.ટી.આઈ.માં મોટર મિકેનિક ટ્રેડના 8,000 થી…

આઈટીઆઈમાં મોટર મિકેનિક ટ્રેડમાં તાલીમ લઈ રહેલા યુવાઓને ઈલેક્ટ્રિક વ્હીકલ્સ સંલગ્ન પ્રાયોગિક તાલીમથી સજ્જ બનાવાશે

રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ આઈ.ટી.આઈ.માં મોટર મિકેનિક ટ્રેડના 8,000 થી વધુ યુવા તાલીમાર્થીઓ હવે ઇલેક્ટ્રીક વ્હીકલ સંબંધિત નવીન ટેકનોલોજીની તાલીમ મેળવી શકશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર 40 જેટલી ઇલેક્ટ્રીક કારનું વિવિધ જિલ્લાઓની ITIમાટે ગાંધીનગરમાં શ્રમ કૌશલ્ય વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં વિતરણ કર્યું હતું.

આ સંદર્ભમાં ઉદ્યોગોને સ્કીલ મેનપાવર મળી રહે તે માટે ઓટોમોબાઇલ સેક્ટરના વ્યવસાયોમાં સિલેબસ આધારિત 40 ઇલેક્ટ્રિક કાર આઈ.ટી.આઈને ઉપલબદ્ધ કરાવીને તાલીમાર્થીઓને નવીનતમ ટેકનોલોજી સંબંધિત તાલીમ આપવાનું લક્ષ્ય રાજ્ય સરકારે રાખ્યું છે. સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં તાલીમ લઈ રહેલા તાલીમાર્થીઓ ઇલેક્ટ્રીક વાહન તથા તેને સંલગ્ન વ્યવસાયોની પ્રાયોગિક તાલીમમાં સક્ષમ બનીને આત્મનિર્ભરતા કેળવી શકે તે માટે નવીનતમ ટેકનોલોજી મુજબની પ્રેક્ટીકલ તાલીમ ઉપલબ્ધ કરાવવામાં આ 40 ઈલેક્ટ્રીક કાર ઉપયોગી બનશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ 40 ઈ.વી. કાર ઉપરાંત 50 ધનવંતરી આરોગ્ય રથ અને 6 મોબાઈલ મેડિકલ વાનના લોકાર્પણ પણ કર્યા હતા. બાંધકામ શ્રમિકો અને સંસ્થાઓના શ્રમયોગીઓ તથા તેમના પરિવારજનોને તેમના ઘર આંગણે પ્રાથમિક તબીબી સારવાર મળી રહે, ગંભીર રોગ થતા અટકે અને તેમનું આરોગ્ય જળવાઈ રહે તે હેતુથી આ ધનવંતરી આરોગ્ય રથમાં તાવ, ઝાડા, ઉલટી, ચામડીના રોગો જેવા સામાન્ય રોગો સહિત પ્રાથમિક ઈજાઓમાં સારવાર તથા પેશાબ, લોહી, બ્લડ, સુગર, મેલેરિયા જેવી લેબોરેટરી તપાસ કરી અપાય છે.

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં 154 ધનવંતરી આરોગ્ય રથ અને ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા 25 મોબાઇલ મેડિકલ વાન સેવારત છે.
હવે, નવા લોકાર્પણ થયેલા 54 ધનવંતરી આરોગ્ય રથ અને છ મોબાઇલ મેડિકલવાન સાથે રાજ્યભરના 34 જિલ્લાઓમાં કુલ 206 ધનવંતરી આરોગ્ય રથ અને 31 મોબાઇલ મેડિકલ વાન શ્રમિકોની આરોગ્ય સુરક્ષાના હેતુસર કાર્યરત કરવામાં આવ્યા છે. આ લોકાર્પણ અવસરે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સચિવ શ્રી લોચન સહેરા, રોજગાર અને તાલીમ નિયામક શ્રી નીતિન સાંગવાન, લેબર કમિશનર શ્રી લાખાણી અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *