એક જ આઇ.ડી.પ્રૂફ ઉપર વધુ રૂમ બુક કરાવનાર લોકોની પૂછપરછ કરાઇ, પાર્ટીકલ્ચર ઉપર પોલીસની ખાસ નજર
થર્ટી ફસ્ટ લઈને રાજકોટ પોલીસે એક્શન મોડમાં છે ત્યારે રાજકોટ શહેરમાં એસઓજી દ્વારા હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ કર્યું હતું. એસઓજીની અલગ અલગ ટીમોએ અંદાજિત 500થી વધુ નાની મોટી હોટલો અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ કર્યું હતું. થર્ટી ફસ્ટ ઉપર ખાનગી હોટલોમાં યોજાતી પાર્ટી ઉપર પોલીસ ખાસ વોચ રાખશે અને આવી પાર્ટીઓ ઉપર દરોડા પણ પાડશે.
શહેર એસઓજીના પી.આઈ એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી જેમાં હોટલો તેમજ ગેસ્ટહાઉસમાં ચેકિંગ કર્યું હતું. એસઓજીની ટીમે હોટલ અને ગેસ્ટહાઉસ દ્વારા નિયમોનું પાલન કરી રજીસ્ટરમાં એન્ટ્રી પાડવામાં આવે છે કે નહીં તેમજ સીસીટીવી ચાલુ છે કે નહી, તે બાબતની ચકાસણી કરી હતી. ઉપરાંત હોટલ અને ગેસ્ટહાઉસના સંચાલકો દ્વારા સરકાર દ્વારા અપાયેલી ઓનલાઇન એપ્લિકેશનમાં નોંધ કરવામાં આવે છે કે નહી તે બાબત પણ ચકાસવામાં આવી હતી.
તેમજ એક આઈડી ઉપર અલગ અલગ બે લોકો અંદર રહેતા હોય છે. તેને લઈને હોટલની અંદર પણ ચકાસણી કરવામાં આવી હતી. એસઓજીની ટીમે હોટલ અને ગેસ્ટહાઉસમાં ઉતરેલા લોકોને પણ બોલાવી અને ચકાસણી હાથ ધરી હતી.
સાથે સાથે થર્ટી ફસ્ટ લઈને શહેર એસઓજી દ્વારા હોટલ અને ગેસ્ટહાઉસમાં કામ કરતા કર્મચારીની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
જેમાં હોટલ માલિકો દ્વારા નોકરીએ રાખવામાં આવ્યા તેની નોંધ નજીકના પોલીસ મથકમાં કરાવી ફરજિયાત છે તે નિયમનું પાલન કરવા માટે હોટલ અને ગેસ્ટહાઉસના સંચાલકોને તાકીદ કરી રજીસ્ટ્રેશનની કામગીરી કરવામાં આવી છે કે નહીં તેને લઈને પણ ચકાસણી કરવામાં આવી હતી. થર્ટી ફસ્ટ લઈને એસઓજી દ્વારા હજુ પણ બે દિવસ સુધી હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ કામગીરી કરવામાં આવશે અને નિયમનો ભંગ કરનાર સામે જાહેરનામા ભંગ બદલ ગુન્હો નોંધવામાં આવશે.
વાહન ચેકિંગમાં 293 લોકો દંડાયા, 172 વાહન ચાલકોને બ્રેથ એનેલાઇઝરથી ચેક કર્યા
થર્ટી ફર્સ્ટ પુર્વે રાજકોટ શહેર પોલીસ દ્વારા છેલ્લા અઠવાડીયાથી વાહન ચેકીંગ ડ્રાઇવ કરવામા આવી રહી છે. ત્યારે ડીસીપી પુજા યાદવના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરના ચારેય સેકટરમા રહેલા અધિકારીઓ દ્વારા અલગ અલગ પોઇન્ટ પર વાહન ચેકીંગ તેમજ બ્રેથ એનેલાઇઝરથી લોકોને ચેક કરવામા આવી રહયા છે ત્યારે અલગ અલગ સ્થળો પર વાહન ચેકીંગ દરમિયાન 293 વાહન ચાલકો દંડાયા હતા અને 1.17 લાખનો દંડ વસુલ કરવામા આવ્યો હતો. તેમજ રસ્તા પર પીધેલાની શંકાએ 17ર લોકોને બ્રેથ એનેલાઇઝરથી ચેક કરવામા આવ્યા હતા.
પાનના ગલ્લે અને બગીચામાં પડ્યા રહેતા નશેડીઓને પકડવા ખાસ ઝુંબેશ
દારૂૂ, ડ્રગ્સ અને નશાનું સેવન કરીને નવું વર્ષ ઉજવતા હોય છે, ત્યારે આ વર્ષે ગુજરાત પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ વાર નશો લેનાર યુવાઓને ઝડપવા માટે ખાસ એક સ્પેશિયલ કીટ તૈયાર કરાઈ છે. વ્યક્તિએ ડ્રગ્સનું સેવન કર્યું છે કે નહીં તે ચેક કરવા માટે પણ ખાસ કીટ તૈયાર કરવામાં આવી છે. જેમાં એક સળી મોઢામાં નાખવામાં આવે છે અને તેમાં લાળનું સેમ્પલ લેવામાં આવે છે અને 5 મિનિટમાં જ પરિણામ આવે છે. જે અંતર્ગત કલર પ્રમાણે સીનતેથીક ડ્રગ્સ જેમાં એમ.ડી., હેરોઇન, કોઈકીન, ગાંજો અને અફીણ જેવા માદક પદાર્થનું ટેસ્ટિંગ તાત્કાલિક ધોરણે કરવામાં આવે છે.31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં લઈને એસઓજી દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ડ્રગ્સ બાબતની એક ખાસ એન્ટી સ્પેશિયલ કીટ આપવામાં આવી છે. જેના થકી એસઓજી દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારો ખાસ કરીને પાનના ગલ્લા, કોલેજો અને જાહેર બગીચા તેમજ જ્યાં યુવાનો ભેગા થતા હોય તેવી જગ્યા ઉપર ડ્રગ્સ લીધેલ હોવાનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું.
