ચોટીલા હાઈવે પર કેમિકલ માફિયાઓના અડ્ડા સમાન હોટલ પર બુલડોઝર ફર્યુ

રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલી ‘પવનપુત્ર’ હોટલ પર વહીવટી તંત્ર દ્વારા આકરા પાણીએ કાર્યવાહી કરવામાં આવી છે. લાંબા સમયથી કેમિકલ ચોરી અને બાયોડીઝલના ગેરકાયદેસર વેપારનું…

રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલી ‘પવનપુત્ર’ હોટલ પર વહીવટી તંત્ર દ્વારા આકરા પાણીએ કાર્યવાહી કરવામાં આવી છે. લાંબા સમયથી કેમિકલ ચોરી અને બાયોડીઝલના ગેરકાયદેસર વેપારનું હબ બનેલી આ હોટલને આજે તંત્રએ બુલડોઝર ફેરવીને જમીનદોસ્ત કરી દીધી છે. સ્ટેટ વિજિલન્સની રેડ બાદ શરૂૂ થયેલી આ કાયદાકીય કાર્યવાહીએ વિસ્તારના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ મચાવી દીધો છે. રાજકોટ નેશનલ હાઇવે પર નાની મોલડી પાસે આવેલી આ હોટલની આડમાં લાંબા સમયથી શંકાસ્પદ કેમિકલની હેરફેર અને જ્વલનશીલ પ્રવાહીનો ગેરકાયદે વેપારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો અડ્ડો ધમધમતો હતો.

થોડા દિવસો પૂર્વે સ્ટેટ વિજિલન્સની ટીમે આ હોટલ પર ઓચિંતી રેડ પાડીને મેગા ઓપરેશન દરમિયાન 8,330 કિલો કેમિકલ અને વાહનો સહિત કુલ રૂૂ.45.98 લાખનો મુદ્દામાલ જપ્તકરવામાં આવ્યો હતો. આ મામલે બે ઇસમોની અટકાયત કરાઈ હતી, આ ઘટનામાં સ્થાનિક સ્તરની પોલીસની નિષ્ક્રિયતા સામે રેન્જ આઈ જી નિર્લુપ્ત રાય દ્વારા ચોટીલા પીઆઈ અને પીએસઆઈ સહિત ચાર કર્મચારીઓને સસ્પેન્ડ કરવાના કડક પગલા ભરવામાં આવ્યા હતા. સોમવારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત હેઠળ હોટલનું વીજ જોડાણ કાપીને 80 હજાર દંડ ફટકારી જેસીબી અને બુલડોઝરની મદદથી બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું.

આ કાર્યવાહીના અંતે આશરે 8 હજાર ચોરસ ફૂટ જેટલી જમીન હાલ ખુલ્લી કરવામાં આવી છે.વોન્ટેડ હોટલના માલિક ભુપતભાઈ પટગીર સહિત આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા અન્ય તત્વો સામે પણ પોલીસ દ્વારા સઘન તપાસ અને કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવી છે.

ગેરકાયદે પ્રવૃત્તિઓ કરતી હોટલો તોડી પાડીશું: પ્રેમસુખ ડેલુ (એસપી)
સુરેન્દ્રનગર જિલ્લા એસપી પ્રેમસુખ ડેલુએ હાઈવે પરની તમામ હોટલોના માલિકોને કડક અલ્ટીમેટમ આપતા જણાવ્યું છે કે, રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવેનો મોટો ભાગ સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થાય છે. જો કોઈપણ હોટલમાં દારૂૂનું કટિંગ, કેમિકલ ચોરી, સળિયા ચોરી કે નશીલા પદાર્થોની હેરાફેરી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાનું માલૂમ પડશે, તો પવનપુત્ર હોટલની જેમ જ તેના પર પણ બુલડોઝર ફેરવીને કાર્યવાહી કરવામાં આવશે.તંત્ર દ્વારા સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે હાઈવે પર ચાલતી કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાંખી લેવામાં આવશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *