ઉના તાલુકાના કાળાપાણ ગામે ગામતળ તથા ગૌચર ની સરકારી જમીન પર થયેલા અનધિકૃત દબાણો સામે તાલુકા તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ થયેલી દબાણ હટાવવાની કામગીરી મોડી સાંજ સુધી ચાલી હતી. દુકાનો, ઓટલા અને વાડાઓ સહિતના દબાણો દૂર કરીસરકારીજમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
મળતી વિગતો મુજબ કાળાપાણ ગામમાં ગામતળ તથા ગૌચરની સરકારી જમીન પર લાંબા સમયથી વિવિધ પ્રકારના અનધિકૃત દબાણો થયેલા હતા.આ દબાણોમાં દુકાનો, ઓટલા, વાડા સહિતના બાંધકામોનો સમાવેશ થતોહતો.ગ્રામપંચાયત દ્વારા અગાઉ સંબંધિત દબાણકર્તા ઓને દબાણો સ્વેચ્છાએ દૂર કરવા માટે ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 105 હેઠળ ત્રણ-ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી.
કાર્યવાહી દરમિયાન ગ્રામપંચાયતના સર્વે નંબર 127 અને 96 હેઠળ આવેલી ગૌચરની જમીન પૈકી આશરે 36 હેક્ટર 74 ગુંઠા એટલે કે 23,674 ચોરસ મીટર જમીન તથા ગામતળની આશરે 3,600 ચોરસ મીટર જમીન મળી કુલ 27,274 ચોરસ મીટર સરકારી જમીન દબાણ મુક્ત કરાવવામાં આવી હોવાનું તંત્ર દ્વારા જણાવાયું હતું. આ જમીનની કુલ કિંમત આશરે રૂૂ.1,52,29,600 હોવાનું જણાવાયું છે.
દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સ્થળ પર પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તાલુકા પંચાયતના અધિકારીઓ ઉપરાંત ગ્રામપંચાયત ના સરપંચ, સભ્યો, તલાટી-મંત્રી, આગેવાનો તેમજ સંબંધિત વિભાગોના કર્મચારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા.
