નહીં માફ નીચું નિશાન : રાઇફલ શૂટિંગમાં સંઘર્ષ છતાં સાધ્યું સફળતાનું નિશાન

અનેક મુશ્કેલીઓનો સામનો કરી રાજકોટની દીકરી ધ્રુવી વોરાએ રાઇફલ શૂટિંગમાં મેળવ્યા છે 80થી વધુ મેડલ, સન્માન અને સર્ટીફિકેટ ધ્રુવી વોરાના રિક્ષાચાલક પિતાએ દીકરીના સપનાને સાકાર…

અનેક મુશ્કેલીઓનો સામનો કરી રાજકોટની દીકરી ધ્રુવી વોરાએ રાઇફલ શૂટિંગમાં મેળવ્યા છે 80થી વધુ મેડલ, સન્માન અને સર્ટીફિકેટ

ધ્રુવી વોરાના રિક્ષાચાલક પિતાએ દીકરીના સપનાને સાકાર કરવા અને રમતના ખર્ચને પહોંચી વળવા દિવસ-રાત ચલાવી રિક્ષા

રમતગમત ક્ષેત્રે રાજ્ય કક્ષાએ કે રાષ્ટ્રીય કક્ષાએ સફળતા મેળવવી એ નાનીસૂની વાત નથી. શાળા કે કોલેજમાં જ્યારે પોતાનું સંતાન કોઈ સ્પર્ધામાં સફળતા મેળવે ત્યારે માતા-પિતા સ્પર્ધામાં હાજર રહે છે, ઉત્સાહ વધારે છે અને જીતની ખુશી પણ સાથે માણે છે. પરંતુ રાજકોટની આ દીકરીની સફર થોડી અલગ છે. આર્થિક પરિસ્થિતિ સદ્ધર ન હોવાને કારણે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં પણ માતા કે પિતા હાજર રહી શક્યા નથી. દેશના કોઈ પણ ખૂણે સ્પર્ધા હોય આ દીકરી એકલી જ સ્પર્ધાના સ્થળે પહોંચે છે, પોતાના આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરે છે, મેડલ જીતીને પરત ફરે છે. આ વાત છે રાઇફલ શૂટિંગમાં 80થી વધુ મેડલ, સન્માન અને સર્ટીફિકેટ મેળવનાર રાજકોટની દીકરી ધ્રુવી વોરાની. સંઘર્ષ, આર્થિક મુશ્કેલીઓ, નિષ્ફળતાના તબક્કા અને રમત છોડવાનો વિચાર આવ્યા બાદ પણ ધ્રુવીએ પોતાની જાત પરનો વિશ્વાસ ગુમાવ્યો નહીં. આજે તે રાઇફલ શૂટિંગમાં સફળતા મેળવ્યા બાદ પિસ્ટલ શૂટિંગમાં પણ સફળતા મેળવવાનું સપનું જોઈ રહી છે.

ધો.8 થી શૂટિંગ પ્રત્યે જાગ્યો રસ
ધ્રુવીનો જન્મ અને અભ્યાસ રાજકોટમાં જ થયો છે. તેણે શાળાકીય અભ્યાસ કડવીબાઈ વિરાણી ક્ધયા વિદ્યાલયમાંથી અને વલ્લભ વિદ્યાનગરમાંથી ગ્રેજ્યુએશન કર્યું ત્યારબાદ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા ઇન સ્પોર્ટસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો.ધો.8માં અભ્યાસ કરતી વખતે ધ્રુવીને રાઇફલ શૂટિંગમાં રસ જાગ્યો. એ સમયે તેનું સ્વપ્ન આર્મીમાં જોડાવાનું હતું, પરંતુ સંજોગોએ તેને આર્મીમાં નહીં, પરંતુ રાઇફલ શૂટિંગના ક્ષેત્રમાં પોતાની પ્રતિભા સાબિત કરવાની તક આપી.

શાળામાં જ રાઇફલ શૂટિંગની શરૂૂઆત કર્યા બાદ તેણે રાજકોટની રાજ શક્તિ ક્લબ જોઈન કરી. ત્યારબાદ અમદાવાદ ખાતે યોજાયેલી ડિસ્ટ્રિક્ટ લેવલની સ્પર્ધામાં પ્રથમ વખત મેડલ મેળવ્યો. આ પ્રથમ સફળતાએ ધ્રુવીના આત્મવિશ્વાસમાં વધારો કર્યો. ત્યારબાદ જાણે સફળતાની ગાડી દોડવા લાગી. એક પછી એક સ્પર્ધામાં ભાગ લેવાની સાથે કંઈક કરી બતાવવાની તેની ચાહ પણ વધતી ગઈ.

પિતાએ દિવસ-રાત રિક્ષા ચલાવી દીકરીનું સ્વપ્ન જીવંત રાખ્યું
કોઈપણ વ્યક્તિ જ્યારે પોતાના ક્ષેત્રમાં આગળ વધે છે ત્યારે સંઘર્ષ અલગ હોય છે. રાઇફલ શૂટિંગ ખર્ચાળ ગેઇમ છે અને ધ્રુવીના પિતા નિલેશભાઈ વોરા તે સમયે રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરિવારની આર્થિક પરિસ્થિતિ મર્યાદિત હોવા છતાં દીકરીમાં રહેલી પ્રતિભા ઓળખી તેના સપનાને સાકાર કરવા દિવસ-રાત રિક્ષા ચલાવતા. પરિવારની જવાબદારી સાથે દીકરીની કારકિર્દી માટે જરૂરી ખર્ચ પૂરો કરવાનો પણ પ્રયાસ કરતા.

ધ્રુવી જણાવે છે કે રાઇફલ શૂટિંગ ખૂબ જ ખર્ચાળ રમત છે. તેમાં જરૂૂરી સાધનોની કિંમત ખૂબ વધારે હોય છે. શૂટિંગની કિટની શરૂૂઆત 25થી 30 હજાર રૂૂપિયા, ગ્લોઝ માટે ઓછામાં ઓછા ચારથી પાંચ હજાર રૂપિયા અને શૂઝ માટે છ થી આઠ હજાર રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. પ્રથમ રાઇફલ 1 લાખ રૂૂપિયામાં ખરીદી હતી અને અત્યારે અઢી લાખ રૂૂપિયાની રાઇફલ લીધી. એક રિક્ષા ચલાવનાર પિતા માટે આ રકમ ખર્ચવી સહેલી નહોતી છતાં દીકરી માટે બધું કર્યું. અમને બંને ભાઈ-બહેનને ભણાવ્યા અને મને સ્પોર્ટ્સમાં આગળ વધવા માટે હંમેશા પ્રોત્સાહન આપ્યું છે.

2021માં રમત છોડવાનો વિચાર આવ્યો, પરંતુ વર્ષ 2014માં રાઇફલ શૂટિંગની શરૂઆત કર્યા બાદ ધ્રુવીની સફરમાં અનેક મુશ્કેલીઓ આવી. જોકે દરેક મુશ્કેલીમાંથી બહાર નીકળીને તેણે ફરીથી પોતાની જાતને સાબિત કરી.

ધ્રુવી પોતાના સંઘર્ષમય દિવસો યાદ કરતાં જણાવે છે કે વર્ષ 2021માં નેશનલ ગેમ રમતી વખતે તેના પર ખૂબ જ પ્રેશર હતું. એટલું ટેન્શન હતું કે તેણે શૂટિંગ છોડી દેવાનો પણ વિચાર કર્યો હતો. ચાલુ મેચ દરમિયાન તેની રાઇફલમાં ખામી સર્જાઈ અને તે ક્વોલિફાય પણ થઈ શકી નહીં. આ નિષ્ફળતાથી તે ખૂબ જ હતાશ થઈ ગઈ હતી અને મનમાં વિચાર આવ્યો કે હવે કદાચ તેનાથી આ રમત નહીં રમાય.

પરંતુ થોડા જ સમય બાદ તેણે ફરીથી પોતાને સંભાળી. યુનિવર્સિટી સ્પર્ધા, ખેલ મહાકુંભ અને ત્યારબાદ નેશનલ ગેમમાં ભાગ લીધો. આ સ્પર્ધાઓમાં મળેલી સફળતા અને મેડલે ફરી એકવાર તેનો આત્મવિશ્વાસ જગાવ્યો અને શૂટિંગમાં આગળ વધવાનું જોશ પાછું આવ્યું.

ધ્રુવીની આ સફરમાં કોચ હર્ષિલ સોની અને પિયુષ સરનો સાથ અને માર્ગદર્શન તેમજ માતા-પિતાના આશીર્વાદ અને ત્યાગ મહત્વના છે. તેમના કહેવા મુજબ ગવર્મેન્ટની એકેડેમીની સ્કીમમાં પસંદગી થયા બાદ તેની ઘણી મુશ્કેલીઓ ઓછી થઈ. એકેડેમીમાં ન્યુટ્રીશન, ફિટનેસ અને હેલ્થ માટે અલગ-અલગ નિષ્ણાતોનું માર્ગદર્શન મળતું હોવાથી ખેલાડીને પોતાની રમત પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે છે.

શૂટિંગ જેવી રમતમાં ખેલાડીની ફિટનેસ અને વજનનું પણ વિશેષ મહત્વ છે.
હવે પતિ અને સાસરિયાઓનો પણ મળી રહ્યો છે સાથ લગ્ન બાદ ઘણી યુવતીઓની રમતગમતની કારકિર્દી પર બ્રેક લાગી જતી હોય છે, પરંતુ ધ્રુવીના કિસ્સામાં પરિસ્થિતિ અલગ રહી છે. જેમ માતા-પિતાએ તેની કારકિર્દીને આગળ વધારવા માટે પ્રોત્સાહન આપ્યું, તેમ હવે પતિ યશ શાહ તેમજ સાસુ-સસરા પણ તેને સતત પ્રોત્સાહન આપી રહ્યા છે.

આ સહયોગના કારણે ધ્રુવી આજે પણ રમત સાથે જોડાયેલી છે અને પોતાની નવી કારકિર્દી માટે સતત મહેનત કરી રહી છે.

80થી વધુ મેડલ અને સન્માન
ધ્રુવીએ અત્યાર સુધીમાં ડિસ્ટ્રીકટ, સ્ટેટ અને નેશનલ લેવલે 80થી વધુ મેડલ, સર્ટીફિકેટ અને સન્માન મેળવ્યાં છે. તેણે ત્રણ નેશનલ સ્પર્ધાઓમાં જીત મેળવી છે. જ્યારે ‘ખેલો ઇન્ડિયા’નું પ્રથમ આયોજન થયું ત્યારે તેમાં ટોપ-8માં સ્થાન મેળવવાની સાથે ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પણ મેળવ્યો હતો.આ સિદ્ધિઓ પાછળ ધ્રુવી પોતાની મહેનતની સાથે માતા-પિતા, કોચ અને ગુરુજનોના સહયોગને શ્રેય આપે છે

રાઇફલ બાદ હવે પીસ્ટલ શૂટિંગમાં નવી શરૂઆત
રાઇફલ શૂટિંગમાં ખાસ પ્રકારની કિટ હોય છે જેમાં ખાસ પ્રકારનાં કપડાં હોય છે, જેમાં ચોક્કસ પ્રકારની જાડાઈ અને ફિટિંગ હોય છે. તેથી વજન વધે કે ઘટે તો કિટ યોગ્ય રીતે ફિટ ન થાય અને મોંઘી કીટ નકામી બની જાય. હવે પીસ્ટલ શૂટિંગ અપનાવ્યું છે અને અત્યારે ધ્રુવીનું સ્વપ્ન પિસ્તોલ શૂટિંગમાં પણ મેડલ મેળવવાનું છે.
ધ્રુવી વોરાની સફર માત્ર મેડલની સંખ્યા કે જીતેલી સ્પર્ધાઓની વાત નથી. આ સફર છે એક એવી દીકરીની, જેણે મર્યાદિત આર્થિક સંજોગો વચ્ચે પણ પોતાના સપનાને જીવંત રાખ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *