બહેન સાથે ઝઘડો થતા બનેવીએ સમાધાન માટે બોલાવી સાળાને ધોકાથી લમધાર્યો

મોરબી રોડ પર ઓમનગરનો બનાવ: ઇજાગ્રસ્ત યુવાનને સારવારમાં ખસેડાયો શહેરના સામાકાંઠે પેડક રોડ પર રહેતા યુવાનને તેની બહેન સાથે ઝઘડો થયો હતો. તે બાબતે બનેવીએ…

મોરબી રોડ પર ઓમનગરનો બનાવ: ઇજાગ્રસ્ત યુવાનને સારવારમાં ખસેડાયો

શહેરના સામાકાંઠે પેડક રોડ પર રહેતા યુવાનને તેની બહેન સાથે ઝઘડો થયો હતો. તે બાબતે બનેવીએ સમાધાન માટે તેના ઘરે બોલાવી સાળા ઉપર ધોકાથી હુમલો કરી માર મારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

જાણવા મળતી વિગત મુજબ પેડક રોડ પર ગેઇટની અંદર રહેતો ધવલ નવીનભાઇ રાઠોડ (ઉ.વ.31)નામનો યુવાન ગઇકાલે મોરબી રોડ પર વેલનાથ ફાટક પાસે ઓમનગરમાં તેના બનેવી પારસ ઠાકોરના ઘરે હતો ત્યારે બેનવીએ ઝઘડો કરી માથામાં ધોકો ફટકારી દેતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી બી ડિવીઝન પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં ધવલ બે ભાઇ એક બહેનમાં વચેટ અને રિક્ષા ચલાવે છે. તેને સંતાનમાં બે પુત્રી છે. ધવલની પત્ની પૂજાને નણંદ કિર્તીબેન સાથે મોબાઇલમાં બોલાચાલી થઇ હતી. જે બાબતે ધવલ અને તેની બહને કીર્તિબેન વચ્ચે ઝઘડો થતા બનેવી પારસે ધવલને સમાધાન માટે તેના ઘરે બોલાવી બાદમાં હુમલો કર્યો હોવાનુ જાણવા મળ્યુ છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *