રાજકોટમાં રેલવે માર્ગે ગેરકાયદેસર મોકલેલું રૂા.42 લાખનું પિત્તળ પકડાયું, વેપારીની અટકાયત

  રાજકોટ રેલવે સ્ટેશનના પાર્સલ વિભાગમાંથી રૂ.42 લાખનો પિત્તળનો શંકાસ્પદ જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો. આ પિત્તળનો શંકાસ્પદ જથ્થામાં કરચોરી અથવા અન્ય ગંભીર ગેરરીતિની આશંકા…

 

રાજકોટ રેલવે સ્ટેશનના પાર્સલ વિભાગમાંથી રૂ.42 લાખનો પિત્તળનો શંકાસ્પદ જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો. આ પિત્તળનો શંકાસ્પદ જથ્થામાં કરચોરી અથવા અન્ય ગંભીર ગેરરીતિની આશંકા સેવાઈ રહી છે. બિનવારસી અને શંકાસ્પદ કબજે કરેલ 7 ટન પિત્તળનો શંકાસ્પદ જથ્થો તમિલનાડુના કોઇમ્બતુરથી ટ્રેન મારફતે મોકલવામાં આવેલો હોવાનું ખુલ્યું હોય કોઇમ્બતુર-રાજકોટ એક્સપ્રેસ દ્વારા પાર્સલ લેવા આવનાર જામનગરના શખ્સને ઝડપી લઇ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. મળતી વિગતો અનુસાર, તમિલનાડુના કોઇમ્બતુરથી ઉપડતી કોઇમ્બતુર-રાજકોટ એક્સપ્રેસ ટ્રેન દ્વારા આ વિપુલ પ્રમાણમાં પિત્તળનો જથ્થો પાર્સલ વિભાગ મારફતે રાજકોટ ખાતે લાવવામાં આવ્યો હતો.

રેલવે સ્ટેશનના પાર્સલ વિભાગમાં જ્યારે આટલી મોટી માત્રામાં પિત્તળનો સામાન આવી પહોંચ્યો, ત્યારે તેની ડિલિવરી લેવા આવેલા જામનગરના યોગેશ વનીયારને અટકમાં લઇ તેની પુછપરછ શરૂ કરી આ મામલે પિત્તળનો શંકાસ્પદ જથ્થાના કાગળોને લઈને સ્થાનિક તંત્ર તથા પોલીસનું ધ્યાન આ તરફ ખેંચાયું હતું. આટલી બધી મોટી માત્રામાં પિત્તળનો જથ્થો રાજકોટ ઉતરતા જ તેની સાથે જોડાયેલા બિલિંગ, જીએસટી દસ્તાવેજો તથા મોકલનાર અને મેળવનાર વ્યક્તિ કે પેઢીની વિગતો અંગે ગંભીર શંકાઓ ઊભી થઈ હતી. પ્રથમ દ્રષ્ટિએ દસ્તાવેજોમાં અનિયમિતતા અને અસ્પષ્ટતા જોવા મળતા પોલીસે તુરંત જ સમગ્ર જથ્થો જપ્ત કરીને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો.તપાસમાં આ જથ્થો પ્રકાશ નામના વ્યક્તિને પહોચાડવાનો હોવાનું ખુલ્યું હતું.

રાજકોટ અને તેની આસપાસનો વિસ્તાર એન્જિનિયરિંગ અને બ્રાસ પાર્ટ્સ ના ઉદ્યોગ માટે જાણીતો છે. આવી સ્થિતિમાં દક્ષિણ ભારતથી મોટી માત્રામાં કાચું કે તૈયાર પિત્તળ મોકલીને કરોડો રૂપિયાની જીએસટી ચોરી કરવાનું મોટું રેકેટ ચાલી રહ્યું છે કે કેમ, તે દિશામાં પોલીસે તપાસ કેન્દ્રિત કરી છે. આ ઉપરાંત આ વ્યવહાર બેનામી છે કે પછી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે, તે તમામ પાસાંઓની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સ્ટેટ જીએસટી વિભાગ તેમજ રેલવેના સંબંધિત સત્તાવાળાઓને પણ જાણ કરવામાં આવી રહી છે. પિત્તળનો આ જથ્થો કોણે બુક કરાવ્યો હતો અને રાજકોટમાં તેને કોણ રિસીવ કરવાનું હતું, તેની કોલ ડિટેલ્સ અને ઈ-વે બિલ સહિતના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ, જો તપાસ દરમિયાન યોગ્ય દસ્તાવેજો કે જીએસટી ભર્યાના પુરાવા રજૂ કરવામાં નહીં આવે, તો જવાબદાર લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં આ જપ્તીને પગલે રેલવે પાર્સલ વિભાગ અને બ્રાસ ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *