રાજકોટમાં ભારે વરસાદને કારણે મકાન ધરાશાયી, એકનું મોત

રાજકોટ શહેરમાં છેલ્લા બે દિવસથી વિરામ લીધા વિના વરસી રહેલા અવિરત વરસાદને કારણે રવિવારે મોડી રાત્રે ભાવનગર રોડ પર રાવણ ચોક નજીક આવેલી શ્રમજીવી સોસાયટીમાં…

રાજકોટ શહેરમાં છેલ્લા બે દિવસથી વિરામ લીધા વિના વરસી રહેલા અવિરત વરસાદને કારણે રવિવારે મોડી રાત્રે ભાવનગર રોડ પર રાવણ ચોક નજીક આવેલી શ્રમજીવી સોસાયટીમાં એક વર્ષો જૂનું જર્જરીત મકાન ધડાકાભેર ધરાશાયી થતાં 45 વર્ષીય અજયભાઈ કુરજીભાઈ બેડલાને ઈજા થઇ હતી જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા બાદ તેનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન કરૂૂણ મોત નીપજ્યું છે. આ ગોઝારી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અને મૃતકના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

મળતી માહિતી મુજબ, રાજકોટમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદી માહોલ જામ્યો છે. સતત વરસી રહેલા વરસાદના પાણી મકાનની જૂની દીવાલો અને કાચી છતમાં ઊતરતા મકાનની સ્થિતિ અત્યંત જોખમી અને ભયજનક બની ગઈ હતી. રવિવારે રાત્રે આશરે 11:30 વાગ્યાના સુમારે શ્રમજીવી સોસાયટીમાં આવેલું અજયભાઈનું મકાન અચાનક કડાકાભેર તૂટી પડ્યું હતું.

ધડાકાનો મોટો અવાજ સાંભળીને આસપાસના રહીશો અને પાડોશીઓ તુરંત જ શેરીમાં દોડી આવ્યા હતા. મકાન ધરાશાયી થઈ જતાં ચોતરફ ધૂળની ડમરીઓ અને કાટમાળનો ખડકલો થઈ ગયો હતો. કાટમાળ નીચે અજયભાઈ બેડલા દબાઈ ગયા હોવાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ ભારે જહમત ઉઠાવી તુરંત કાટમાળ દૂર કર્યો હતો. માથાના ભાગે ગંભીર અને જીવલેણ ઈજા પહોંચેલી હાલતમાં અજયભાઈને તાત્કાલિક 108 મારફતે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા અને તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બેડલા પરિવારનું આ મકાન વર્ષો જૂનું હતું અને તેની સ્થિતિ અત્યંત ખરાબ તથા જોખમી થઈ ગઈ હતી.

ચોમાસાની ઋતુ શરૂૂ થાય તે પહેલાં જ કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે પરિવારના જાગૃત સભ્યોએ બે માસ પહેલાં જ મકાનની ભયજનક સ્થિતિ ધ્યાને લઈ અન્ય વિસ્તારમાં ભાડાનું મકાન રાખી ત્યાં સ્થળાંતર કરી લીધું હતું. પરિવારનો આ નિર્ણયના કારણે પરિવારના અન્ય સભ્યોનો આબાદ બચાવ થયો છે. જોકે, કમનસીબે 45 વર્ષીય અજયભાઈ કુરજીભાઈ બેડલા કોઈ કારણોસર જૂનું મકાન છોડીને પરિવાર સાથે ભાડાના મકાનમાં જવા તૈયાર ન હતા. મકાન રહેવા માટે અત્યંત જોખમી હોવા છતાં તેઓ છેલ્લા બે મહિનાથી ત્યાં જ એકલા વસવાટ કરી રહ્યા હતા. આખરે રવિવારે રાત્રે વરસાદના કારણે મકાન જમીનદોસ્ત થતાં અજયભાઈ કાટમાળ નીચે દબાઈ ગયા અને તેમણે પોતાનો કિંમતી જીવ ગુમાવવો પડ્યો હતો.

ઘટનાની જાણ થતાં જ થોરાળા પોલીસ સ્ટેશનનો કાફલો તુરંત જ ઘટનાસ્થળે તેમજ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી જરૂૂરી પંચનામું હાથ ધર્યું હતું અને સિવિલ હોસ્પિટલ ખાતેથી મૃતદેહનો કબ્જો મેળવી અકસ્માતે મોત ની નોંધ કરી આગળની કાનૂની તપાસ હાથ ધરી છે. આ ગોઝારી દુર્ઘટના બાદ વિસ્તારના રહીશોમાં મહાનગરપાલિકા અને સ્થાનિક તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસાની ઋતુ પૂર્વે તંત્ર દ્વારા દર વર્ષે માત્ર નોટિસો આપીને સંતોષ માની લેવામાં આવે છે.

પરંતુ, વાસ્તવમાં જે મકાનો રહેવા માટે અત્યંત ભયજનક હોય ત્યાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કે જર્જરિત બાંધકામ દૂર કરાવવાની કોઈ કડક અને ગંભીર અમલવારી કરવામાં આવતી નથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે જો મહાનગરપાલિકા કે તંત્ર દ્વારા ચોમાસા પૂર્વે જોખમી મકાનોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવાની ગંભીરતા દાખવવામાં આવી હોત, તો કદાચ અજયભાઈનો જીવ બચી ગયો હોત. આ સ્થિતિમાં રાજકોટ શહેરમાં હજુ પણ અનેક વિસ્તારોમાં ઊભેલા ભયજનક મકાનો સામે તંત્ર સાવચેત બને, યોગ્ય સર્વે કરી કડક પગલાં ભરે જેથી ભવિષ્યમાં આવી બીજી દુર્ઘટનાઓ ના સર્જાય તેવી લોક માંગણી પ્રબળ બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *