એલસીબી ઝોન-2ની ટીમના પીએસઆઈ આર.એચ.ઝાલાની ટીમનો દરોડો, સપ્લાયરની શોધખોળ
દિવાળીના તહેવારો ઉપર પ્યાસીઓની પ્યાસ બુજાવવા માટે બુટલેગરો સજ્જ થયા છે ત્યારે આવા દારૂના ધંધાર્થીઓ સામે કાર્યવાહી કરવા પોલીસ કમિશ્નરની સુચનાને પગલે ઝોન-2 એલસીબીની ટીમે ગંગોત્રી પાર્કમાં દરોડો પાડી 174 બોટલ દારૂ ભરેલી કાર અને રીક્ષા સાથે બુટલેગરની ધરપકડ કરી રૂા.2.28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સપ્લાયરની શોધખોળ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ, પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા તેમજ ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈની સુચનાને પગલે એલસીબી ઝોન-2ના પીએસઆઈ આર.એચ.ઝાલા અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમીના આધારે ગંગોત્રી પાર્ક શેરી નં.1માં મકાન નં.21માં રહેતાં કેતન જગદીશ સિંધવના ઘરે દરોડો પાડયો હતો. આ દરોડામાં ઘરની બહાર મારૂતિ કાર નં.જી.જે.3 કે. 3368 અને અતુલ શક્તિ રીક્ષા નં.જી.જે.3 એ.જે.9449માંથી અલગ અલગ બ્રાંડની રૂા.68,940ની કિંમતની 174 બોટલ દારૂ મળી આવ્યો હતો. કેતનની ધરપકડ કરી પુછપરછ કરતાં આ દારૂ દીપુ સુંદરદાસ લાખાણી પાસેથી લાવ્યો હોવાનું ખુલ્યું હતું. એલસીબીએ રૂા.2.28 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.
એલસીબી ઝોન-2ના પીએસઆઈ આર.એચ.ઝાલા સાથે રાજેશભાઈ મિયાત્રા, રાહુલભાઈ ગોહિલ, શક્તિસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઈ વાઘીયા, ધર્મરાજસિંહ ઝાલા, કુલદીપસિંહ રાણા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.
