રોટેશને અનેક નેતાઓનું રાજકારણ દાવ પર લગાવી દીધું, ભૂપત બોદર, પી.જી.કયાડા, પ્રવિણાબેન રંગાણી, સહદેવસિંહ જાડેજા નો-રિપીટ
રાજકોટ જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારો ગઈકાલે જાહેર કરવામાં આવ્યા હતાં. જેમાં અનેક મોટા માથાઓના નામ કપાઈ ગયા છે. ત્રણ ટર્મથી ચુંટાતાને ટિકીટ નહીં આપવાના નિયમ અને અનામત રોટેશનથી અનેક સિનિયરો પણ ઘરભેગા થઈ ગયા છે. જિલ્લા પંચાયતનાં ગત ટર્મના કુલ 36 ઉમેદવારોમાંથી ભાજપે માત્ર 6ને જ રિપિટ કર્યા છે જ્યારે બાકીનાની બાદબાકી કરી નાખી છે, તો ત્રણ બેઠકો બેડલા, કુવાડવા અને શિવરાજપુરમાં સવારે 11 વાગ્યા સુધી ખેંચતાણ બાદ કુવાડવામાં સંજય પીપળિયા અને બેડલામાં ગોવાણીનું નામ ફાઈનલ થયું છે. શિવરાજપુર બેઠક માટે ભારે ખેંચતાણના અંતે દેવેન્દ્ર ઝાફડીયાનું નામ ફાઈનલ થયું હતું. આજે બપોરે ભાજપના તમામ સભ્યોએ કહી ખુશી કહી ગમ વચ્ચે ઉમેદવારીપત્રકો ભરી દીધા હતાં.
રાજકોટ જિલ્લા પંચાયતની 36 પૈકી 33 બેઠક ઉપર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જાહેર થયેલા ઉમેદવારોમાં બેડી બેઠક પર સુમીતાબેન ચાવડાને રિપીટ કરવામાં આવ્યા જયારે રાજેશભાઈ ડાંગરને રિપીટ કરી દેરડીના બદલે મોવિયા બેઠક પરથી ઉમેદવાર જાહેર કરાયા છે અને લોધીકા બેઠક પરથી હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના પુત્ર દિલીપ સરવૈયાને ટિકિટ આપવામાં આવી છે.રાજકોટ જિલ્લા પંચાયતમાં 21 બેઠક બિન અનામત સામાન્ય, 10 બેઠક સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ(ઓબીસી), 4 બેઠક અનુસૂચિત જાતિ અને 1 બેઠક અનુસૂચિત જનજાતિની જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચે બેઠકોનું રોટેશન કરતા પ્રમુખ અને કારોબારી ચેરમેન સહિત પદાધિકારીના પતા કપાયા છે. જોકે, ઉપપ્રમુખ રાજેશભાઈ ડાંગરને આ વખતે દેરડીના બદલે મોવિયા બેઠક પરથી ઉમેદવાર બનાવી ચૂંટણી લડાવવા જાહેરાત કરવામાં આવી છે.
જિલ્લા પંચાયતમાં સ્ત્રીઓ માટે બિન અનામત સામાન્ય બેઠકમાંથી 10, ઓબીસીની 5, અનુસૂચિત જાતિની 2 અને અનુસૂચિત જનજાતિની 1 મળી કુલ 18 બેઠક અનામત રાખવામાં આવી છે. જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકમાંથી માત્ર 7 બેઠક ગત વખતની જેમ યથાવત્ રાખવામાં આવી છે જ્યારે 29 બેઠકમાં ફેરફાર કરવામાં આવતા પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, કારોબારી ચેરમેન પી.જી.કિયાડા, પૂર્વ પ્રમુખ ભૂપત બોદર, પૂર્વ કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા સહિતના ધુરંધરો કપાઇ ગયા છે.
રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન અને પૂર્વ વિપક્ષી નેતા અર્જુન ખાટરિયાને બદલે તેમના ભત્રીજાને ટિકિટ આપવાની જાહેરાત થયા બાદ અંતે ફરી ભાજપે અર્જુનભાઈ ઉપર પસંદગીનો કળશ ઢોળતા કોટડાસાંગાણી જિલ્લા પંચાયતની બેઠક પરથી અર્જુન ખાટરિયાએ વાજતે ગાજતે ઉમેદવારી નોંધાવી દીધી છે. ભાજપમાં પ્રવેશવાનો તેમનો નિર્ણય અંતે ફાયદાકારક સાબિત થયો.
કોટડાસાંગાણી જિલ્લા પંચાયતની બેઠક પરથી અર્જુન ખાટરીયાને અંતે ભાજપની ટિકિટ
જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન અને પૂર્વ વિપક્ષ નેતા રહી ચૂકેલા અર્જુન ખાટરિયાને ભાજપ પ્રવેશ ફળ્યો છે. કોટડા સાંગાણી બેઠક પર રાજકોટ જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે ભાજપે તેને ટીકીટની ફાળવણી કરતાં વિશાળ ટેકેદારો સાથે તેઓએ ફોર્મ ભર્યુ હતું. દાયકાઓ સુધી રાજકોટના ગ્રામીણ રાજકારણમાં સક્રિય રહેલા ખાટરિયાને ભાજપની ટિકીટ મળતાં તેમના ચાહક વર્ગમાં આનંદની લાગણી ફેલાઈ છે. એક સમયે તેના બદલે તેના ભત્રીજા યુવરાજ ખાટરીયાને ટિકીટ આપવામાં આવી હતી પરંતુ છેલ્લી ઘડીએ ફેરફારો કરી ભાજપે અર્જુન ખાટરિયાને ઉમેદવાર જાહેર કર્યા હતાં. અર્જુન ખાટરીયાનું રાજકીય ઈતિહાસ ઘણો મજબૂત રહ્યો છે. તેઓ સતત 25 વર્ષ સુધી કોંગ્રેસ પક્ષમાં પાયાના કાર્યકર અને નેતા તરીકે રહ્યા હતા. ગત વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા, તેમણે કોંગ્રેસનો સાથ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો.
