શહેરમા મવડી વિસ્તારમા રહેતા કારખાનેદાર પોતાના મિત્રના કારખાને મળવા માટે ગયા હતા મળીને પરત ફરી રહયા હતા ત્યારે માલધારી ફાટક પાસે ટેમ્પો ચાલકે કારખાનેદારના બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. જેમા ગંભીર રીતે ઘવાયેલા કારખાનેદારનુ મોત નિપજતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ શહેરમા મવડી વિસ્તારમા કણકોટ રોડ પર આવેલી શિવ ટાઉનશીપમા રહેતા અને ગોંડલ રોડ પર બુટભવાની ઇન્ડસ્ટ્રી નામે ફેબ્રીકેશનનુ કામ કરતા હિતેશભાઇ હરીલાલભાઇ સોલગામા (ઉ.વ. પ6) રાત્રીના આઠેક વાગ્યાના અરસામા પોતાનુ બાઇક લઇને માલધારી ફાટક પાસેથી પસાર થઇ રહયા હતા ત્યારે જીજે 13 એડબલ્યુ 71ર6 નંબરના ટેમ્પો ચાલકે કારખાનેદારના બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા આધેડને તાત્કાલીક સારવાર માટે ખાનગી હોસ્પિટલમા ખસેડાયા હતા. જયા તેમની સારવાર કારગત નિવડે તે પુર્વે જ ફરજ પરના તબીબે જોઇ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા પરીવારમા કરુણ કલ્પાંત સર્જાયો હતો.
પ્રાથમિક પુછપરછમા મૃતક હિતેશભાઇ સોલગામાને સંતાનમા એક પુત્રી છે અને બુટભવાની ઇન્ડસ્ટ્રી નામે ફેબ્રીકેશનનુ કામ કરતા હતા.
પોતાના મિત્ર રમેશભાઇ રાદડીયાના કારખાને મળવા ગયા હતા અને ત્યાથી મળીને ઘરે પરત ફરતા હતા ત્યારે જીવલેણ અકસ્માત નડયો હતો. પાછળ આવતા રમેશભાઇ રાદડીયાએ અકસ્માતની ઘટનાએ ઉભા રહેતા મિત્ર હિતેશભાઇ સોલગામાનુ જ અકસ્માત થયુ હોવાનુ ધ્યાને આવતા સારવાર માટે હોસ્પિટલે ખસેડયા હતા પરંતુ જીવ બચ્યો ન હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
