કુવાડવા પાસે ટ્રકની ઠોકરે શિવનગરના બાઇક ચાલકનું મોત, અકસ્માત સર્જી ચાલક ફરાર

ખાડાવાળા રસ્તા અને પુલની ધીમિ ગતિની કામગીરીને કારણે વધુ એક જીવલેણ અકસ્માત રાજકોટ શહેરના કુવાડવા રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો અને ટ્રકની ઠોકરે બાઈક…

ખાડાવાળા રસ્તા અને પુલની ધીમિ ગતિની કામગીરીને કારણે વધુ એક જીવલેણ અકસ્માત

રાજકોટ શહેરના કુવાડવા રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો અને ટ્રકની ઠોકરે બાઈક ચાલક શિવનગરમાં રહેતા યુવાનનું મોત નીપજ્યું હતું.આ ઘટનામાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતકની ઓળખ નીલદીપભાઈ પ્રકાશભાઈ રાઠોડ (રહે. ગુરુકૃપા શિવ નગર શેરી, રોમન મકાન સામેની બંધ શેરી, ગોંડલ રોડ, રાજકોટ) તરીકે થઈ છે. નીલદીપભાઈ પોતાનાં બાઇક પર રાજકોટથી ચોટીલા તરફ જઈ રહ્યા હતા. જ્યારે તેઓ કુવાડવા હાઈવે પર ભવાની હોટલ સામે પહોંચ્યા ત્યારે રાજકોટ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી આઈસર ટ્રક (નં. જીજે 23 વાય 9989 ) ના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી.

આ ટક્કર એટલી ભયાનક હતી કે નીલદીપભાઈ બાઇક પરથી ફંગોળાઈ ગયા હતા. જેમા માથાના ભાગે ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત થતા જ ટ્રકનો ચાલક ટ્રકને રસ્તાથી થોડે દૂર આવેલા બજરંગ એગ્રો પાસે મૂકીને નાસી છૂટ્યો હતો. અકસ્માતની જાણ થતા આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા. 112 ઈમરજન્સી સેવા અને કુવાડવા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી.

આ બનાવની જાણ થતાં કુવાડવા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લીધો અને નગરપાલિકાની શબ વાહિની મારફતે પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યો હતો. હાલ કુવાડવા પોલીસ સ્ટેશનના અધિકારી સંજયભાઈ કુમરખાણીયા સાહેબના જણાવ્યા મુજબ પોલીસે ટ્રક કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર ડ્રાઈવરને પકડવા માટે તપાસ ચાલી રહી છે. આ ઘટના મામલે સ્થાનીકો દ્વારા અનેક વખત કુવાડવાનાં રસ્તા અને પુલનાં કામ મામલે અનેકવાર ઉચ્ચ સ્તરે રજુઆત કરવામા આવી છે . અને પુલનુ કામ જલ્દી પુરુ થાય તેવી લોકોમા માંગ ઉઠી છે. તેમજ કુવાડવા રોડનાં ખખડધજ અને ખાડાવાળા રસ્તાનાં કારણે અનેકવાર અકસ્માત સર્જાયા હોવાની ઘટનાઓ અગાઉ થઇ ચુકી છે તેમજ નીર્દોષ લોકોનાં જીવ પણ લેવાયા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *