બાબરિયા કોલોનીની ઘટના; યુવકની હાલત ગંભીર
શહેરમાં જલારામ ચોક પાસે આવેલ ધર્મજીવન-1માં રહેતાં અને બાપુનગર સ્મશાનમાં મેનેજર તરીકે ફરજ બજાવતાં યુવાને પ્રેમ લગ્ન બાદ પત્ની સાથે મનમેળ નહીં થતાં બાબરીયા કોલોનીમાં ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, જલારામ ચોક નજીક આવેલ ધર્મજીવન-1માં રહેતાં સંદીપ મનસુખભાઈ શિયાણી નામનો 41 વર્ષનો યુવાન રાત્રીનાં નવેક વાગ્યાના અરસામાં બાબરીયા કોલોનીમાં હતો ત્યારે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
પ્રાથમિક પુછપરછમાં આપઘાતનો પ્રયાસ કરનાર સંદીપ શિયાણી બાપુનગર સ્મશાનમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. સંદીપ શિયાણી બે બહેનનો એકનો એક ભાઈ છે અને અગાઉ તેનાં છુટાછેડા થઈ ગયા હતાં. છુટાછેડા બાદ મિતલ નામની યુવતી સાથે છ માસ પહેલા જ પ્રેમ લગ્ન કર્યા હતાં. પ્રેમ લગ્ન બાદ પત્ની મિતલ સાથે મનમેળ નહીં થતાં સંદીપ શિયાણીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ભક્તિનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
