GSRTCના બસ સ્ટેશનો પર શૌચાલય ઉપયોગ મફત

  ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) એ તેના તમામ બસ સ્ટેશનો પર પ્રવાસીઓ માટે શૌચાલય સેવા સંપૂર્ણપણે મફત કરી દીધી છે. રાજ્ય સરકારની સ્વચ્છતા…

 

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) એ તેના તમામ બસ સ્ટેશનો પર પ્રવાસીઓ માટે શૌચાલય સેવા સંપૂર્ણપણે મફત કરી દીધી છે. રાજ્ય સરકારની સ્વચ્છતા અને મુસાફર સુવિધા પ્રત્યેની કટિબદ્ધતાને ધ્યાનમાં રાખીને, નિગમે અગાઉની ’પે-એન્ડ યુઝ’ પોલિસીમાં સુધારો કરીને આ નિર્ણય લીધો છે. આ અંગેની સ્પષ્ટ સૂચનાઓ તમામ વિભાગોને અગાઉથી જ પાઠવી દેવામાં આવી છે, જેમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે નિગમના (પી.પી.પી. મોડેલના બસ સ્ટેશન સિવાયના) બસ સ્ટેશનો પર શૌચાલયના ઉપયોગ માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ વસૂલવાનો રહેશે નહીં.

જોકે, આ સૂચનાઓ છતાં, કેટલીક જગ્યાએ તેનું યોગ્ય રીતે પાલન ન થતાં નિગમની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગી રહી છે. તાજેતરમાં એક બસ સ્ટેશન પર શૌચાલય વપરાશ માટે ચાર્જ વસૂલવા અંગેની ગંભીર ઘટના બની હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જાહેર જનતામાં નિગમની છબીને મોટું નુકસાન પહોંચ્યું હતું. આ મામલે ઉચ્ચ કક્ષાએ ગંભીર નોંધ લેવામાં આવી છે અને બેદરકારી બદલ કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

આ પ્રકારની ફરિયાદોનું કાયમી ધોરણે નિવારણ લાવવા અને મુસાફરોની સુખાકારીમાં વધારો કરવા માટે નિગમે તમામ વિભાગીય નિયામકોને ચુસ્તપણે પાલન કરવા માટે નવી સૂચનાઓ જારી કરી છે. તેમાં જણાવ્યા મુજબ, દરેક શૌચાલયની બહાર અને અંદર સ્પષ્ટ રીતે દેખાય તેવા મોટા અક્ષરે “શૌચાલય વપરાશ નિ:શુલ્ક છે” અથવા “વિનામૂલ્યે શૌચાલય વપરાશ” તે પ્રકારના બોર્ડ લગાવવાના રહેશે. શૌચાલયની જાળવણી માટે પણ પ્રવાસીઓ પાસેથી કોઈપણ પ્રત્યક્ષ કે પરોક્ષ ચાર્જ વસૂલવાનો રહેશે નહીં. વધુમાં, શૌચાલયની બહાર કે અંદર કોઈપણ પ્રકારના ટેબલ, ખુરશી કે ગલ્લા રાખીને હાઉસકીપિંગ એજન્સીના સફાઈ કર્મચારી કે શૌચાલય એટેન્ડન્ટને બેસાડવાની મનાઈ ફરમાવી છે, જેથી મુસાફરોમાં ચાર્જ આપવાની ગેરસમજ ઉભી ન થાય અને ગેરકાયદેસર ઉઘરાણીને પ્રોત્સાહન ન મળે.

મુસાફરો સરળતાથી ફરિયાદ કે અભિપ્રાય આપી શકે તે માટે ’સ્વચ્છતા એપ’નો ચછ કોડ પણ તમામ શૌચાલયો અને બસ સ્ટેશનો પર ફરજિયાતપણે લગાવવાનો રહેશે, અને ચાર્જ અંગેની ફરિયાદનું ત્વરિત નિવારણ લાવવાની વ્યવસ્થા ગોઠવવી પડશે. આદેશોમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, જો કોઈપણ બસ સ્ટેશન પર શૌચાલય વપરાશ ચાર્જની વસૂલાત થતી માલૂમ પડશે, તો તેની સીધી જવાબદારી જે-તે ડેપો મેનેજરની રહેશે અને કસૂરવાર ડેપો મેનેજર વિરુદ્ધ સસ્પેન્શન (ફરજ મોકૂફી) સુધીના કડક પગલાં ભરી ખાતાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એજન્સી દ્વારા કામગીરીમાં અનિયમિતતા દાખવવામાં આવે તો કરાર મુજબ પેનલ્ટી પણ વસૂલવામાં આવશે. નિગમમાં સ્વચ્છતાના ઉચ્ચતમ ધોરણો જળવાઈ રહે અને મુસાફર સુખાકારીમાં વધારો થાય તે બાબતને અત્યંત ગંભીરતાથી લેવા જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *