વંડા-ફળી સહિતના વિસ્તારોમાં મહાનગરપાલિકાની ટુકડીઓ દ્વારા ડોર ટુ ડોર સર્વે કરાયો : નિયમની અમલવારી નહીં કરનાર સામે કાર્યવાહી કરવા આદેશ
જામનગર શહેરમાં કેટલાક માલિકીના ઢોર રસ્તે રઝળી રહ્યા છે, અને તેના માલિકો દ્વારા ફરીથી પોતાના માલિકીના ઢોરને જાહેર માર્ગો પર છોડી દઈ અડચણ કરતા હોવાથી મહાનગરપાલિકાની ટીમ દ્વારા સર્વે કરીને સુચના આપવામાં આવી રહી છે. ત્યારબાદ આવા માલિકીના ઢોર બહાર જોવા મળશે તો તમામને જપ્ત કરી લેવામાં આવશે, સાથો સાથ ઢોર માલિકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે, તેવી કડક સુચના આપવામાં આવી રહી છે.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી, તેમજ ડે. કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, તથા આશિ. કમિશનર ભાવેશ જાની ના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટુકડીઓ બનાવાઇ છે. જેમાં કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા ની રાહબરી હેઠળ સોલીડ વેસ્ટ શાખાના રાજભા જાડેજા, ઉપરાંત એસ્ટેટ શાખાની ટીમ ટેક્સ બ્રાન્ચના નીતિન મહેતા સહિતની ટુકડી દ્વારા ગઈકાલે સૌપ્રથમ વંડાફળી સહિતના આસપાસના વિસ્તારોમાં જઈને સુચના આપવામાં આવી હતી, અને ત્રણ દિવસનું અલ્ટીમેટમ અપાયું છે. સાથો સાથ જે ઢોર માલિકો દ્વારા પોતાના ઘર અથવા આસપાસના વિસ્તારમાં વાડાઓ બાંધીને તેમાં પશુઓને રાખવામાં આવી રહ્યા છે, તે જગ્યા અંગેના આધાર પુરાવાઓ પણ મેળવાઈ રહ્યા છે. જેમાં કોઈ પણ પ્રકારનું દબાણ જોવા મળશે, તો તે ઢોરવાડા ને દૂર કરી દેવામાં આવશે, તેવી પણ સૂચના અપાઈ રહી છે.
જામનગર શહેરના કાલાવડ નાકા બહાર, શંકર ટેકરી, ગુરુદ્વારા, જલારામનગર સહિતના વિસ્તાર કે જ્યાં ઢોર માલિકો દ્વારા પોતાના પશુઓને ઘર તથા વાડામાં રાખવામાં આવે છે, તે તમામ સ્થળોએ જઈને ડોર ટુ ડોર સર્વે કરવામાં આવી રહ્યું છે. સાથો સાથ ત્રણ દિવસનું અલ્ટીમેટમ પણ અપાઈ રહ્યું છે.
અલગ અલગ વિસ્તારમાંથી 5,920 કિલો ઘાસ જપ્ત
અલગ અલગ સાત જેટલા વિસ્તારોમાં મહાનગરપાલિકાની ટુકડી દોડતી થઈ હતી. એસ્ટેટ વિભાગના કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવાની રાહબરી હેઠળ રાજભા જાડેજા ઉપરાંત દીપક પટેલ, ઉર્વશી મકવાણા, રમેશ બાબરીયા, અશોક પ્રજાપતિ સહિત ની અલગ અલગ ટીમો દ્વારા શહેરના શંકર ટેકરી વિસ્તાર, 80 ફૂટ રીંગ રોડ, કાલાવડ નાકા બહારનો એરિયા, હરિયા કોલેજ રોડ, દિગ્વિજય પ્લોટ પોલીસ ચોકી, નવાગામ ઘેડ, ઇન્દિરા માર્ગ સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી 5,920 કિલો ઘાસ જપ્ત કરી લેવામાં આવ્યું છે, અને મહાનગરપાલિકા સંચાલિત જુદા જુદા ત્રણ ઢોરના ડબ્બામાં મોકલી દેવામાં આવ્યું છે. આ કાર્યવાહી અવિરત ચાલુ રખાઇ છે.
સપ્તાહ દરમિયાન 115 ઢોરને પકડી ડબ્બામાં મૂકી દેવાયા
મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં રસ્તે રઝળતા ઢોરને પકડવાની કામગીરી અવીરત ચાલુ રાખવામાં આવી છે, અને જુદી જુદી બે સિફ્ટમાં ટુકડીઓને દોડતી કરાવાઈ છે. જેના ભાગ રૂૂપે છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારમાંથી કુલ 115 રસ્તે રઝળતા ઢોરને પકડી લેવામાં આવ્યા છે, અને જામનગર મહાનગરપાલિકા સંચાલિત ઢોરના ડબામાં મૂકવામાં આવ્યા છે. હાપા વિસ્તારમાં આવેલા પશુવાડામાં હાલ 465 ગાય તથા વાછરડાઓને મૂકવામાં આવ્યા છે, જ્યારે રણજીત સાગર રોડ પર આવેલા ઢોરના ડબામાં 415 નંદીની (ખૂંટિયા) ને મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત બેડેશ્વર વિસ્તારમાં આવેલા ઢોરના ડબ્બામાં પણ 169 ગાયો ને રાખવામાં આવી છે.
