ભુજમાં કોલેજિયન છાત્રાનું ગળુ કાપી હત્યાનો પ્રયાસ

સોશિયલ મીડિયામાં બ્લોક કરવા મામલે ઉશ્કેરાઇ છરી ઝીંકી દીધી અમદાવાદની શાળામાં વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીની કરપીણ હત્યાના બનાવે રાજ્યભરમાં ચકચાર મચાવી છે, તો ભુજ અને આદિપુરની…

સોશિયલ મીડિયામાં બ્લોક કરવા મામલે ઉશ્કેરાઇ છરી ઝીંકી દીધી

અમદાવાદની શાળામાં વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીની કરપીણ હત્યાના બનાવે રાજ્યભરમાં ચકચાર મચાવી છે, તો ભુજ અને આદિપુરની શાળામાં છાત્રો-છાત્રો વચ્ચે સર્જાયેલી હિંસા તથા આદિપુરની કોલેજના આચાર્ય પર વિદ્યાર્થી દ્વારા હુમલાની ઘટનાએ પણ કચ્છમાં ચોમેર ચર્ચા જગાવી છે, ત્યાં ગુરુવારે સાંજના અરસામાં ભુજના એરપોર્ટ રિંગરોડ પર આવેલી સંસ્કાર કોલેજમાં અભ્યાસ કરતી છાત્રા તથા અન્ય એક યુવક પર છરી વડે હુમલાના વધુ એક બનાવે શહેર સહિત જિલ્લામાં ચકચાર મચાવી છે.

આ મામલા અંગે પોલીસે બનાવસ્થળે પહોંચી તથા હોસ્પિટલ પહોંચી તલસ્પર્શી તપાસ આદરી છે અને આરોપી મોહિત મુળજીભાઈ સિદ્ધપુરા (ઉ.વ.22, રહે. ભારતનગર, ગાંધીધામ)ને રાતે ઝડપી ગુનો દાખલ કરવાની તજવીજ આદરી છે. આ બનાવ અંગે કોલેજના સંચાલક કિરીટ કારિયાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, કોલેજના બીસીએના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી મૂળ ગાંધીધામની અને હાલ ભુજની ભાનુશાલી હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી સાક્ષી ખાનિયા કોલેજ પૂર્ણ થયા બાદ એસએમઆઈટી સંકુલથી બહાર નીકળીને એપ્રોચ રોડ પર પહોંચી ત્યારે બે યુવક આવ્યા હતા, જે તેની સાથે ચર્ચા કરી રહ્યા હતા, દરમિયાન એક યુવકે છરીથી છાત્રાના ગળાના ભાગે હુમલો કર્યો હતો, તો આ ઘટનામાં હુમલાખોર સાથે આવેલો યુવક પણ ઘાયલ થયો હતો.

કોલેજની છાત્રા હોઈ શકે તેમ માની એક વટેમાર્ગુએ આ ઘટના અંગે કોલેજમાં જાણ કરતાં વિદ્યાર્થિનીની સારવાર માટે અમે તાત્કાલિક તેને ખાનગી વાહન મારફતે હોસ્પિટલ લઈ ગયા હતા. દરમિયાન, તેના માતા-પિતાને પણ જાણ કરી હતી તેમ જણાવ્યું હતું. બીજી તરફ હોસ્પિટલ પહોંચેલા કોલેજના એચઓડી ચિંતન રાવલનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, છાત્રાની હાલત ગંભીર છે. હુમલાખોર યુવતીનો પડોશી છે. દરમ્યાન રાતે આ હિચકારો હુમલો કરનારા આરોપી મોહિતની ભુજ વિસ્તારમાંથી જ પોલીસે ઝડપી લીધો હતો દરમ્યાન યુવતી સાથે અભ્યાસ કરતા તેમજ હોસ્ટેલના છાત્રો એકત્ર થયા હતા. ગાંધીધામથી યુવતીના પરિજનો પણ દોડી આવ્યા હતા.

આ બનાવ બાદ જી.કે. જનરલ હોસ્પિટલમાં એકત્ર છાત્રો પાસેથી મળેલી વિગતો મુજબ આરોપીની સોશિયલ મીડિયાની આઈ.ડી.માં બ્લોક કરી દેતાં આરોપી યુવક એકદમ ઉશ્કેરાયેલો હતો અને તેણે યુવતીને પૂછયું કે, તે મને શા માટે બ્લોક કર્યો… યુવતીએ કહ્યં કે, મને તારી સાથે કોઈ જ વ્યવહાર-સંબંધ રાખવા નથી. આથી ઉશ્કેરાઈ છરી કાઢી યુવતીના ગળા પર ફેરવી દીધી હતી. આરોપી સાથે આવેલા જયેશે બચાવ કરવા જતા તેને પણ પીઠમાં છરી મારી આરોપી ઘટનાસ્થળેથી નાસી ગયાની વિગતો છાત્રો પાસેથી મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *