બોટાદમાં બાઈક ચાલકને ઉલાળી હત્યાનો પ્રયાસ

કારના ચાલકે સ્પિડમાં કાર ચલાવી બાઈક ચાલકને ઉલાળ્યો, જૂની અદાવતમાં હુમલો કરાયો બોટાદ શહેરના સાળંગપુર રોડ પર જૂની અદાવતનો લોહિયાળ અંજામ જેવો બનાવ બનતાં રહી…

કારના ચાલકે સ્પિડમાં કાર ચલાવી બાઈક ચાલકને ઉલાળ્યો, જૂની અદાવતમાં હુમલો કરાયો

બોટાદ શહેરના સાળંગપુર રોડ પર જૂની અદાવતનો લોહિયાળ અંજામ જેવો બનાવ બનતાં રહી ગયો. હત્યાના ઈરાદે એક યુવક પર કાર ચઢાવી તેને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ હુમલાના લાઈવ ઈઈઝટ ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે 4 શખસ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ તેજ કરી છે. બાઈકને પાછળથી ટક્કર મારીને હત્યાનો પ્રયાસમાં બાઈકસવાર રોડ પર પટકાઈને ગોથમડા ખાઈ ગયો હતો.

મળતી વિગતો મુજબ બોટાદ શહેરના સાળંગપુર રોડ પર જૂની અદાવત રાખી એક આધેડને જાનથી મારી નાખવાના ઇરાદે કાર વડે ટક્કર મારી ગંભીર ઇજાઓ પહોંચાડવાની ઘટના સામે આવી છે. આ મામલે ભોગ બનનાર શબ્બીર ઉર્ફે સાબો પીરભાઈ નિયાતરે (ઉ.વ. 45) ચાર શખ્સો વિરુદ્ધ સોનાવાલા હોસ્પિટલ ખાતેથી પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી શબ્બીરભાઈ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ફરિયાદ મુજબ, તેમને અગાઉ ફિરોઝ ઉર્ફે કાજી નામના શખસ સાથે તકરાર થઈ હતી. આ અદાવત રાખી ફિરોઝ અને તેના સાથીદારો છેલ્લા બે દિવસથી શબ્બીરનો પીછો કરી રહ્યા હતા.

આઠ દિવસ પૂર્વે આરોપી તોસીફે ફોન પર વોઈસ મેસેજ મોકલી શબ્બીરભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. વહેલી સવારે 6:30 વાગ્યે શબ્બીર તેના ભાભીને રેલવે સ્ટેશન ઉતારી, જવેરી જીન ખાતે રનિંગ પૂરું કરી પોતાની મોટરસાઈકલ (GJ 07 CS 8829) પર ઘરે પરત ફરી રહ્યા હતા. સવારે આશરે 7:34 વાગ્યે સાળંગપુર રોડ પર સ્મશાન સામેથી પસાર થતી વખતે પાછળથી પૂરઝડપે આવેલી ગ્રે કલરની કારે (GJ 23 M 2458) તેમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગતા જ શબ્બીર ફંગોળાઈને રોડ પર પડ્યા હતા અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શી વર્ષાબેન રેવરના જણાવ્યા અનુસાર, કાર ફિરોઝ ઉર્ફે કાજી ચલાવી રહ્યો હતો, જ્યારે તેની બાજુમાં તાહિર ઉર્ફે ફાઈટર અને પાછળની સીટમાં તોસીફ જાંગડ બેઠેલા હતા.

અકસ્માત બાદ ઇજાગ્રસ્ત શબ્બીરને તાત્કાલિક રિક્ષા મારફતે સોનાવાલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તબીબોના જણાવ્યા મુજબ, તેમને માથાના ભાગે, કાન પાસે, ગળે અને હાથ-પગમાં ગંભીર ઇજાઓ થઈ છે. ભોગ બનનાર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર, આ હુમલો જૂની અદાવતને રાખીને કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી ચાર શખસ સામે ગુનો નોંધ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *