સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (CBSE) દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને 12ની અંતિમ પરીક્ષાઓનો આજથી સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પ્રારંભ થયો છે. આ વર્ષે ગુજરાત રાજ્યમાંથી કુલ 80,000થી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં બેસવાના છે, જે ગત વર્ષના 75,000 વિદ્યાર્થીઓની સરખામણીએ નોંધપાત્ર વધારો દર્શાવે છે.
આંકડાકીય વિગતો મુજબ, રાજ્યમાં ધોરણ 10ના 45,000થી વધુ અને ધોરણ 12ના 35,000થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષાના પ્રથમ દિવસે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ગણિત (સ્ટાન્ડર્ડ અને બેઝિક) વિષયની પરીક્ષા યોજાઈ રહી છે, જ્યારે ધોરણ 12ના વિદ્યાર્થીઓ આંત્રપ્રિન્યોરશિપ અને બાયોટેકનોલોજી જેવા વિષયોની પરીક્ષા આપી રહ્યા છે. વિદ્યાર્થીઓ માત્ર હોલ ટિકિટ, સ્કૂલ આઈડી કાર્ડ, પારદર્શક પાઉચમાં સ્ટેશનરી, ભૂમિતિ બોક્સ અને પારદર્શક પાણીની બોટલ જેવી વસ્તુઓ જ પોતાની સાથે રાખી શકશે. મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, બ્લૂટૂથ ડિવાઈસ કે કેલ્ક્યુલેટર જેવા ઈલેક્ટ્રોનિક સાધનો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. માત્ર ડાયાબિટીસ ધરાવતા વિદ્યાર્થીઓને જ ખાવાની વસ્તુઓ સાથે રાખવાની છૂટ આપવામાં આવી છે.
