ભાયાવદરના બે સામાજિક અગ્રણી ઉપર સ્કોર્પિયો ચડાવી હત્યાનો પ્રયાસ

રાજપરા ગામે સેવાકીય પ્રવૃત્તિ કરતાં મામા-ભાણેજને સેવા નહીં કરવા ધમકાવી પૂર્વ સરપંચે આચરેલું કૃત્ય મામા-ભાણેજને સ્કોર્પિયોથી ટક્કર મારી મોટર સાઈકલ સાથે 10 ફૂટ સુધી ઢસડયા…

રાજપરા ગામે સેવાકીય પ્રવૃત્તિ કરતાં મામા-ભાણેજને સેવા નહીં કરવા ધમકાવી પૂર્વ સરપંચે આચરેલું કૃત્ય

મામા-ભાણેજને સ્કોર્પિયોથી ટક્કર મારી મોટર સાઈકલ સાથે 10 ફૂટ સુધી ઢસડયા

ભાયાવદરમાં રાજપરા ગામે રહેતાં અને સેવાકીય પ્રવૃતિ કરતાં બે સામાજિક અગ્રણીની સેવાકીય પ્રવૃતિથી નારાજ અને સેવાકીય પ્રવૃતિના કારણે પોતાનું વર્ચસ્વ ઓછું થતાં પૂર્વ સરપંચે કાવતરું રચી આ બન્ને સામાજિક અગ્રણીની હત્યાનો પ્રયાસ કરતાં સનસનાટી મચી ગઈ છે. પૂર્વ સરપંચે પોતાની સ્કોર્પિયો કારમાં બન્ને સામાજિક અગ્રણી મામા-ભાણેજને સ્કુટર લઈને જતાં હતા ત્યારે ઠોકર મારીને સ્કોર્પિયો નીચે કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ બન્ને સામાજિક અગ્રણીને સ્કોર્પિયો નીચે 10 ફુટ સુધી ઢસડયા હતાં. આ મામલે પોલીસે હત્યાની કોશીષનો ગુનો નોંધ્યો છે.

મળતી વિગતો મુજબ, ઉપલેટાના રાજપરા ગામે રહેતાં અને ખેતી કામ કરતાં તેમજ ગામમાં ધાર્મિક કામમાં સેવાકીય પ્રવૃતિ કરતાં દિલીપભાઈ નાથાભાઈ દાસાએ નોંધાવેલી ફરિયાદમાં રાજપરા ગામના પૂર્વ સરપંચ પરબત લખમણ ઓડેદરાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, દિલીપભાઈ અને તેના મામા લીલાભાઈ બન્ને ગામમાં ધાર્મિક પ્રસંગ તેમજ અન્ય કાર્યોમાં સેવાકીય પ્રવૃતિ કરતાં હોય જે બાબત પૂર્વ સરપંચ પરબત ઓડેદરાને ગમતી ન હોય અને પોતાનું વર્ચસ્વ ઘટે તેમ હોય જેથી સેવાકીય પ્રવૃતિ કરતાં દિલીપભાઈને ધમકી આપી હતી અને ગામમાં સેવાકીય પ્રવૃતિમાં રસ નહીં લેવા ધમકી આપ્યા છતાં દિલીપભાઈએ પોતાના મિત્ર લીલાભાઈ સાથે સેવાકીય પ્રવૃતિ ચાલુ રાખતાં જે બાબતનો ખાર રાખી પૂર્વ સરપંચ પરબત ઓડેદરાએ ગઈકાલે સાંજે પોતાની સ્કોર્પિયો નં.જી.જે.25 એ.એ.0061 લઈને નીકળ્યો હતો અને રાજપરા ગામ પાસે વેણૂ નદીના રસ્તે તેની વાડી પાસેથી મોટર સાઈકલ લઈને જતાં દિલીપભાઈ અને લીલાભાઈને મારી નાખવાના ઈરાદે સ્કોર્પિયો કારથી ઠોકર મારી હતી.

દિલીપભાઈ અને લીલાભાઈ બન્ને સ્કોર્પિયોની ઠોકરે મોટર સાઈકલ સાથે નીચે પટકાયા હતાં છતાં પૂર્વ સરપંચે સ્કોર્પિયો કાર ઉભી રાખી નહીં અને પુરપાટ ઝડપે સ્કોર્પિયો ચલાવી દિલીપભાઈ અને લીલાભાઈને 10 ફુટ સુધી સ્કોર્પિયો સાથે ઢસડયા હતાં અને તેમના ઉપર સ્કોર્પિયો ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આટલું ઓછું હોય તેમ દિલીપભાઈ અને લીલાભાઈ ઈજાગ્રસ્ત હાલતમાં પડયા હોય ત્યારે પરબત ઓડેદરા છરી સાથે નીચે ઉતર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઈજાગ્રસ્ત બન્ને સામાજિક અગ્રણીઓને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. આ મામલે ભાયાવદર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી પૂર્વ સરપંચના આ કૃત્ય બદલ તેની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *