અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર તણાવ વધ્યો છે. રવિવારે અમેરિકાએ ઈરાની ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતાં. આ પછી ઈરાને પણ વળતો પ્રહાર કરતા જોર્ડનમાં અમેરિકી ઠેકાણાઓ પર ઘાતક હુમલો કર્યો હતો. આ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મહત્વપૂર્ણ દાવો કર્યો; સોમવારે (૩૧ ઓગસ્ટ) તેમણે કહ્યું કે અમેરિકાએ ખાર્ગ ટાપુને સંપૂર્ણપણે નાશ કરી દીધો છે.

ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક વીડિયો શેર કર્યો છે; વીડિયો જોઈને એવું લાગે છે કે તે એનિમેટેડ છે. તેના કેપ્શનમાં ટ્રમ્પે લખ્યું, ‘ખાર્ગ દ્વીપના સંપૂર્ણપણે પરખચ્ચા ઊડી ગયા છે.’ અમેરિકાએ ઈરાનના અનેક ઠેકાણાઓ પર હુમલાનો દાવો કર્યો છે. આ વચ્ચે ઈરાને જોર્ડન પર હુમલો કરી દીધો. જોર્ડનની સેનાનું કહેવું છે કે તેણે સોમવારે પોતાના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશલી 8 મિસાઈલોને રોકી હતી. આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે ઈરાનના IRGCએ કહ્યું કે લારક દ્વીપ પર અમેરિકી હુમલા બાદ તેણે જોર્ડનમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કર્યા છે.
અમેરિકી સેનાએ રવિવારે ઈરાનના લારક દ્વીપ પર સ્થિત 2 લોન્ચરોને નિશાન બનાવ્યા હતા. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ)ના પ્રવક્તા ટિમ હોકિન્સે કહ્યું, ‘ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના જવાનોને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં દરિયાઈ માઈન્સ સાથે રોકેટ લોન્ચ કરવાની તૈયારી કરતા જોવામાં આવ્યા હતા.’
તેમણે ઉમેર્યું કે અમેરિકી સેના આ વિસ્તાર પર નજીકથી નજર રાખી રહી છે અને આ મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગથી વેપારી જહાજોની અવરજવર સુરક્ષિત રાખવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમય સુધી યુદ્ધ ચાલ્યા પછી શાંત પડ્યું હતું, પરંતુ હવે ફરી એકવાર તણાવ વધી ગયો છે.
ઈરાની સૈન્યએ દાવો કર્યો હતો કે આ ઘટનામાં ઘણા સૈનિકો અને નાગરિકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. અમેરિકાના હુમલાના થોડા સમય પછી, ઈરાને જોર્ડનમાં બે અમેરિકી એરબેઝ પર બેલિસ્ટિક મિસાઇલો છોડવાનો દાવો કર્યો હતો. પ્રેસ ટીવી અનુસાર, કિંગ હુસૈન અને અલ-અઝરાક એરબેઝ પર ટેકનિકલ અને જાળવણી માળખાગત સુવિધાઓ અને ફાઇટર જેટ પોઝિશન્સને નિશાન બનાવવામાં આવી હતી. જોકે, અલ અરેબિયા અનુસાર, જોર્ડનના એર ડિફેન્સે ઈરાની મિસાઇલોને અટકાવી દીધી હતી.
