ધ્રોલમાં પ્રેમપ્રકરણના સમાધાનની વાત કરવા ગયેલા યુવાન ઉપર હુમલો: કારમાં તોડફોડ

જામનગર જિલ્લાના ધ્રોલમાં પ્રેમલગ્નના મામલે સમાધાનની વાત કરવા માટે ફોન કર્યા બાદ યુવકને મળવા બોલાવી ચાર શખ્સોએ છરી, લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે હુમલો…

જામનગર જિલ્લાના ધ્રોલમાં પ્રેમલગ્નના મામલે સમાધાનની વાત કરવા માટે ફોન કર્યા બાદ યુવકને મળવા બોલાવી ચાર શખ્સોએ છરી, લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને પેટમાં છરીના બે ઘા તથા ડાબા હાથમાં છરીના ઘા લાગતાં ઓપરેશન કરાવવું પડ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

મોરાર સાહેબના ખંભાળીયા ગામના પરાક્રમસિંહ સાવજુભા જાડેજા (ઉ.વ.26)એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તા.27ની રાત્રે તેઓ પોતાની વાડીએ મિત્રો સાથે જમ્યા બાદ કારમાં મિત્રોને ધ્રોલ ખાતે મૂકવા જતા હતા. દરમિયાન તેમણે ધ્રોળ ગામના નીલેશ ઉર્ફે બાજી દિનેશભાઈ પરમારને ફોન કરી તેના કૌટુંબિક સંબંધમાં થયેલા પ્રેમલગ્નના મામલે કોઈ સમાધાન કે સમજુતી કરવાની હોય તો જણાવવા કહ્યું હતું. આ બાબતે ફોન પર બોલાચાલી થતાં નીલેશે ગાળો આપી હતી.

ત્યારબાદ ધ્રોલની ભરવાડ શેરી પાસે રાત્રિના આશરે સાડા અગિયાર વાગ્યે પહોંચ્યા ત્યારે કારમાંથી નીચે ઉતરે તે પહેલાં જ નીલેશ ઉર્ફે બાજી દિનેશભાઈ પરમાર છરી સાથે તથા ઓમ પ્રકાશભાઈ વાઘેલા અને હંસ ઉર્ફે લખન તુલશીભાઈ પરમાર લોખંડના પાઈપ સાથે અને માનવ રમેશભાઈ પરમાર લાકડાના ધોકા સાથે ધસી આવ્યા હતા. નીલેશે પરાક્રમસિંહના પેટના ડાબી બાજુના પડખામાં છરીના બે ઘા માર્યા હતા તેમજ ડાબા હાથમાં પણ છરીના ઘા માર્યા હતા.

આ ઉપરાંત અન્ય ત્રણ શખ્સોએ લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે કારના આગળના બંને દરવાજાના કાચ તથા પાછળના ડેકીનો કાચ તોડી નુકસાન કર્યું હતું. ચારેયે ગાળો આપી આજે તો તને પતાવી દેવો છે તેવી ધમકી આપ્યાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા પરાક્રમસિંહને પ્રથમ ધ્રોલની સરકારી હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પેટમાં છરીના બે ઘા માટે ઓપરેશન કરાયું હતું અને બંને ઘા પર ચાર-ચાર ટાંકા આવ્યા હતા. જ્યારે ડાબા હાથમાં ઉપરના ભાગે છ તથા નીચેના ભાગે નવ ટાંકા આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ બનાવ અંગે ચારેય આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *