આજી ડેમમાં નર્મદા નીરનું આગમન: 250 MCFT ઠલવાશે

જુલાઈ માસ સુધીનું પાણી મંગાયુ, વરસાદ વહેલો આવશે તો નર્મદાનું પાણી બંધ કરાશે ડીઆઈ પાઈપલાઈનનું કામ પૂર્ણ થયા બાદ શહેરને પૂરા ફોર્સથી પાણી મળતું થશે:…

જુલાઈ માસ સુધીનું પાણી મંગાયુ, વરસાદ વહેલો આવશે તો નર્મદાનું પાણી બંધ કરાશે

ડીઆઈ પાઈપલાઈનનું કામ પૂર્ણ થયા બાદ શહેરને પૂરા ફોર્સથી પાણી મળતું થશે: વોટરવકર્સ વિભાગ

રાજકોટ શહેરને પીવાનું પાણી પુરુ પાડતા મુખ્ય બે જળાશયો આજી-1 અને ન્યારી-1 ડેમમાં ડેડલેવલ આવી જતાં વોટરવર્કસ વિભાગ દ્વારા સરકાર પાસે સૌની યોજના અંતર્ગત નર્મદાનીરની માંગણી કરવામાં આવેલ જે ગઈકાલે પમ્પીંગ શરૂ થતાં પ્રથમ આજીડેમમાં નર્મદાનીર ઠલવવાનું શરૂ કરવામાં આવ્યું છે. હાલ 250 એમસીએફટી પાણી માંગવામાં આવ્યું છે. પરંતુ વહેલો વરસાદ થશે અને ડેમમાં નોંધપાત્ર પાણીની આવક ચાલુ થશે તો નર્મદનીર બંધ કરવામાં આવશે. તેવી જ રીતે આગામી દિવસોમાં ન્યારી-1 ડેમમાં પણ નર્મદાનીર ઠલવવામાં આવશે. તેમ વોટરવર્કસ વિભાગે જણાવ્યું હતું. તેમજ ડીઆઈ પાઈપલાઈનની સંપૂર્ણ કામગીરી પૂર્ણ થયા બાદ પુરા રાજકોટમાં ફોર્સથી પાણી મળશે તેમ વોટરવર્કસ વિભાગે જણાવ્યું હતું.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્યના સિંચાઇ વિભાગને ફરી પત્ર લખીને મે માસના અંતમાં આજીડેમમાં સૌની યોજના હેઠળ નર્મદાનીર ઠલવવાની માગણી કરવામાં આવી છે. મહાનગરપાલિકાએ રાજ્યના સિંચાઇ વિભાગને લખેલા પત્રમાં જણાવાયા મુજબ હાલમાં આજીડેમમાં 23.29 ફૂટ (567 એમસીએફટી) પાણીનો જથ્થો છે. રાજકોટના 18 વોર્ડના વિસ્તારોમાં દરરોજ 20 મિનિટ પાણી વિતરણ કરાતું હોય આ જળજથ્થો જૂન મહિનાની 15 તારીખ સુધી ચાલે તેમ છે. આવા સંજોગોમાં જો સૌની યોજના હેઠળ નર્મદાના નીર ન મળે તો રાજકોટમાં નિયમિત 20 મિનિટ પાણી વિતરણની વ્યવસ્થા ખોરવાઇ જાય તેમ છે. આથી જૂન મહિના પહેલા મે મહિનાના અંતમાં આજીડમમાં અગાઉ નિયત કરાયેલા જથ્થા મુજબ જૂલાઇ માસના અંત સુધી ચાલે તેટલો નર્મદાનીરનો જથ્થો આપવાની રજુઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત આજથી નર્મદાનીર ઠલવવાનું શરૂ કરવામાં આવ્યું છે.

મહાનગરપાલિકાએ આજી ડેમ માટે અગાઉ 1800 એમસીએફટી અને ન્યારી-1 માટે 772 એમસીએટી નર્મદાનીરની માગણી કરી હતી. આમાંથી તબક્કાવાર 836 એમસીએફટી નર્મદાનીર આજીડેમમાં ઠલવાયું છે. જૂલાઇ માસ સુધી પાણીની તકલીફ ન પડે તે માટે 500 એમસીએફટી નર્મદાનીરનું મે માસના અંત સુધીમાં આપવાની વિતરણ કરી દેવા માટે મહાનગરપાલિકાએ સિંચાઇ વિભાગને પત્ર લખીને રજુઆત કરી હતી. બીજી તરફ ન્યારી-1 ડેમમાં હાલમાં 19 ફૂટ ( 715 એમસીએફટી) જળજથ્થો છે. આ પાણી 31 જૂલાઇ સુધી ચાલે તેમ છે ત્યારે સિંચાઇ વિભાગ દ્વારા આજીડેમમાં પ્રથમ 250 એમસીએફટી પાણી ઠલવવાનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યાર બાદ ન્યારી ડેમમાં પણ નર્મદાનીર ઠવાશે તેમ જણાવ્યું છે.

અનેક વિસ્તારોમાં ટેન્કર રાજ
મનપા દ્વારા ન્યારી અને આજીડેમમાં નર્મદાનીર ઠલવવાની માંગણી ફરી વિતરણ વ્યવસ્થામાં ખલેલ ન પહોંચે તેવા પગલા લીધા છે. જેની સામે જે વિસ્તારોમાં પાણીની પાઈપલાઈન નથી તેવા વિસ્તારોમાં આજે પણ ટેન્કર દ્વારા પાણી ઠલવવામાં આવી રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાની ઇસ્ટ ઝોન કચેરી દ્વારા વોર્ડ નં.4, 5, 15, 6, 16 અને 18માં દૈનિક 12 હજાર લિટરના 5 અને 5 હજાર લિટરના 167 ટેન્કરના ફેરા દ્વારા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે અને દરરોજ 12000 લોકોને 8.95 લાખ લિટર પાણી વિતરણ કરાઇ રહ્યું છે. તેવી જ રીતે સેન્ટ્રલ ઝોન દ્વારા વોર્ડ નં.3માં આવેલી સોસાયટીઓમાં એકાંતરા 10 હજાર લિટરના 60 ટેન્કરના ફેરા અને 5000 લિટરના 130 ટેન્કરના ફેરા દ્વારા સવા ડઝનથી વધુ સોસાયટીમાં પાણી વિતરણ કરવામાં આવે છે. સેન્ટ્રલ ઝોનમાં માથાદીઠ 75 લિટર પાણી ગણીએ તો લગભગ એકાંતરા 8400 લોકોને 12.50 લાખ લિટર પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *