સમગ્ર સંકુલ ખાલી કરાવી પોલીસે ખૂણેખૂણો ફેંદી માર્યો પણ કાંઈ નહીં મળતા હાશકારો, છ માસમાં બીજી વખત ધમકીભર્યો ઈ-મેઈલ કરી તંત્રને ધંધે લગાડયું
ગુજરાતમાં સરકારી સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓનો સીલસીલો અટકવાનું નામ લઈ રહી ન હોય તેમ ફરી ગુજરાત હાઈકોર્ટ સહિત રાજ્યની પાંચ અદાલતોને ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈ-મેઈલ મળતાં ખળભળાટ મચી ગયો છે. જેમાં રાજકોટ ડીસ્ટ્રીકટ કોર્ટ ઉઘડતાની સાથે જ 11 વાગ્યાની આસપાસ કોર્ટને ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈ-મેઈલ મળતાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, ડોગ સ્કવોડ, ક્રાઈમ બ્રાંચ અને એસઓજીની ટીમ સહિતના ઉચ્ચ અધિકારીઓ કોર્ટ ખાતે દોડી ગયા હતાં. કોર્ટ કમર્ચારીઓ, વકીલો અને અસીલોને કોર્ટ ખાલી કરવાની સુચના આપી સઘન ચેકીંગ હાથ ધર્યુ હતું. પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહીં આવતાં રાહતનો શ્ર્વાસ લીધો હતો.
રાજકોટમાં જામનગર રોડ પર આવેલી નવનિર્મિત ડીસ્ટ્રીક કોર્ટના સેસન્સ જજ કોર્ટના ઓફિશ્યલ આઈ.ડી.ઉપર ઉઘડતી કોર્ટે અગિયારેક વાગ્યાના અરસામાં ડિસ્ટ્રીક કોર્ટ બિલ્ડીંગને આરડીએકસ ઉડાવી દેવાની એલ.ટી.ટી.ઈ (લીબરેશન ટાયગર ઓફ તમીલ ઈલમ) દ્વારા “તમારા કોર્ટ પરીસરમાં ત્રણ આર.ડી.એકસ.નો ઉપયોગ કરીને માનવ આત્મઘાતી વિસ્ફોટ મુકવામાં આવ્યો છે, આ વિસ્ફોટ થાય તે પહેલા બપોરે 1.55 વાગ્યા સુધીમાં ન્યાયાધીશોને ખાલી કરો” તેવો ધમકી આપતો ઈ-મેઈલ કરવામાં આવ્યો હતો. આ અંગે કોર્ટના સિકયુરિટી ઈન્ચાર્જ દ્વારા પોલીસ કંટ્રોલને જાણ કરવામાં આવી હતી.
જાણ થતાં જ યુનિવર્સિટી પોલીસ બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડ, ડોગ સ્કવોડ, ક્રાઈમ બ્રાંચ અને એસઓજીની ટીમ સહિતનો પોલીસ કાફલો કોર્ટ ખાતે દોડી ગયો હતો. ધમકી ભર્યો મેઈલ મળતાં પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક જજ જે.આર.શાહએ તાત્કાલીક તમામ ન્યાયાધીશો, જયુડીશ્યલ ઓફિસરો, કોર્ટ સ્ટાફ, વકીલો અને પક્ષકારોને તાત્કાલીક કોર્ટ બિલ્ડીંગ બહાર નિકળી જવા સુચના આપવામાં આવી હતી.
પોલીસ ટીમ દ્વારા ધમકી ભયાર્ર્ની મેઈલની ગંભીરતાને ધ્યાને રાખીને ડીસ્ટ્રીકટ કોર્ટમાં પ્રવેશબંધી કરી દેવામાં આવી હતી. એટલું જ નહીં આ સિવાય ન્યાયીક કામગીરી પણ તાત્કાલીક ધોરણે બંધ કરી દેવાઈ હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા પાર્કીંગ, કેન્ટીન અને કોર્ટ બિલ્ડીંગના દરેક માળ પર જીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. પરંતુ તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહીં આવતાં તમામે રાહતનો શ્ર્વાસ લીધો હતો.
મહેસાણાના વકીલે પુત્ર માટે ખરીદેલા રમકડાના ડ્રોને પોલીસને ધંધે લગાડી
રાજકોટ કોર્ટને ધમકી ભર્યો મેઈલ મળતાં પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન કોર્ટ પરિસરમાં તપાસ દરમિયાન એસઓજીની ટીમે મહેસાણાના વકીલ પાસેથી એક ડ્રોન મળી આવ્યું હતું. જે ડ્રોન અંગે બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમ તપાસ કરતાં કોઈ સ્ફોટક વસ્તુ ઈન્સ્ટોલ ન કર્યુ હોવાનું સામે આવ્યું હતું. જે અંગે તપાસમાં મહેસાણાથી આવેલા વકીલે પોતાના બાળક માટે રાજકોટમાંથી ડ્રોન જેવું રમકડું લીધું હોવાનું જાણવા મળ્યું હતું.
રાજકોટ કોર્ટને 6 માસમાં બીજી વખત મળી ધમકી
રાજ્યમાં સરકારી સંસ્થાઓને ઉડાવી દેવાની ધમકીનો સીલસીલો યથાવત હોય તેમ રાજકોટ ડિસ્ટ્રીકટ કોર્ટને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. રાજકોટ ડિસ્ટ્રીકટ કોર્ટને અગાઉ 25-6-2025ના રોજ ધમકી ભર્યો મેઈલ મળ્યો હતો. પરંતુ સદનસીબે કોઈ વિસ્ફોટક વસ્તુ મળી આવી ન હતી. જેના છ માસ બાદ આજે ભરી ધમકી ભર્યો મેઈલ મળતા સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. છ માસના સમયગાળામાં રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે.
