રાજકોટમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી ધબકારા ચુકી રહી છે ત્યારે મુળ જૂનાગઢના વતની અને હાલ રાજકોટમાં ભત્રીજા સાથે રહી મંગલમ હોસ્પિટલમાં સિકયુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતાં વૃધ્ધનું હૃદય રોગના હુમલાથી મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુુજબ, મુળ જૂનાગઢના વતની અને હાલ રાજકોટમાં પંચનાથ રોડ પર મંગલમ હોસ્પિટલમાં સિકયુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતાં જયંતીભાઈ બાવનજીભાઈ કાચા નામના 65 વર્ષના વૃધ્ધને હૃદયરોગનો હુમલો આવતાં તાત્કાલીક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ ઉપરાંત અન્ય બનાવમાં જુદા જુદા ત્રણ સ્થળે ત્રણ લોકોના બેભાન હાલતમાં મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં દૂધ સાગર રોડ પર શિવાજીનગરમાં લીલાબેન રમેશભાઈ પરમાર (ઉ.વ.53), માંડાડુંગર વિસ્તારમાં આવેલા રામેશ્ર્વર પાર્કમાં સુભાષભાઈ શામજીભાઈ ડેરવાળીયા (ઉ.53) અને સંતકબીર રોડ પર બાલકૃષ્ણ સોસાયટીમાં રામભાઈ સાર્દુલભાઈ ધગલ (ઉ.56)નું બેભાન હાલતમાં મોત નિપજ્યું છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
