રાજકોટમાં વધુ એક લોથ ઢળી, ભક્તિનગર સર્કલ પાસે સીએનસી ઓપરેટરની કરપીણ હત્યા

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી વધુ એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. શહેરના સહકાર મેન રોડ પર રહેતા અને વ્યવસાયે…

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી વધુ એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. શહેરના સહકાર મેન રોડ પર રહેતા અને વ્યવસાયે સીએનસી ઓપરેટર તરીકે કામ કરતા 27 વર્ષીય યુવાન વિમલ ધર્મેશભાઈ વાણીયાની ભક્તિનગર સર્કલ પાસે સરાજાહેર નિર્મમ હત્યા કરવામાં આવી છે. વિમલ વાણીયા ભક્તિનગર સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જ અજાણ્યા શખ્સે તેમને આંતરીને તીક્ષ્ણ છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા.

ભરચક વિસ્તારમાં જાહેર રસ્તા પર જ બનેલી આ લોહિયાળ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર અને દહેશતનો માહોલ સર્જાયો છે.બનાવની જાણ થતાં જ ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ જે.ડી. પરમાર સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો અને સ્ટાફ તુરંત જ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સરાજાહેર બનેલી આ ખૂની વરદાતથી પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં આ ઘટનામાં એકથી વધુ એટલે કે બે આરોપીઓની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હુમલાખોરો ઘટનાને અંજામ આપીને તુરંત જ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

પોલીસે સમગ્ર વિસ્તારને કવર કરીને આસપાસની દુકાનો અને રસ્તાઓ પર લાગેલા સીસીટીવી ફુટેજ ચકાસવાની કવાયત હાથ ધરી છે, જેથી આરોપીઓની ઓળખ કરીને તેમના સગડ મેળવી શકાય.પોલીસની પ્રાથમિક અટકળ મુજબ આ નિર્મમ હત્યા પાછળ જૂની અદાવત જવાબદાર હોઈ શકે છે, જે દિશામાં હાલ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મૃતક વિમલ વાણીયા પરિવારના આજીવિકાનો મુખ્ય આધાર હતા અને તેમને સંતાનમાં એક નાનો પુત્ર છે. વિમલના અચાનક અને દર્દનાક અવસાનથી માસૂમ બાળકે પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે, જેના કારણે પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ કરૂૂણ બનાવને કારણે સમગ્ર પંથકમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે. ભક્તિનગર પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને વહેલી તકે ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્ર ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *