જુનાગઢ પોલીસે છેલ્લા ચાર મહિનામાં અલગ અલગ ગુનાઓ આચરતી જૂનાગઢની ચાર ગેંગ વિરૂૂદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ ગ્રામ્ય તેમજ જિલ્લામાં છેલ્લા 10 વર્ષમાં ગંભીર ગુનાઓને અંજામ આપતી ગેંગના 9 સભ્યો વિરુદ્ધ ગુજસી ટોકનો ગુનો દાખલ કર્યો છે. આ ગેંગના પાંચ આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. જ્યારે બે આરોપીઓ પહેલાથી જ જેલમાં છે. જોકે, બે આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. જેને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.
ગંભીર ગુનાઓને અંજામ આપતી ગેંગના 9 સભ્યો વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે. જેમાં સલમાન ઉર્ફે સલીયો ઉર્ફે સલીમ તૈયબભાઇ વિશળ રહે.રામદેવપરા જુનાગઢ, નાઝીમ હબીબભાઇ સોઢા રહે. સાંગોદ્રા, તા.તાલાળા જી.ગીર સોમનાથ, સલમાન ઉર્ફે નીજામ ઉર્ફે ભુરો દીનમહમદ બ્લોચ રહે. દોલતપરા નેમીનાથ નગર જુનાગઢ, અજીત ઉર્ફે મંત્રી આમદ નારેજા રહે. રામદેવપરા જુનાગઢ,આમદ હુસેનભાઇ નારેજા રહે. રામદેવપરા, જુનાગઢ, અમીન ઉર્ફે છોટે મંત્રી આમદભાઇ નારેજ રહે. રામદેવપરા જુનાગઢ, અસ્લમ ઉર્ફે છમીયો ઓસમાણ સીડા રહે. રામદેવપરા જુનાગઢ, જુસબ ઉફ્રે કારીયો તૈયબ વિશળ રહે. દોલતપરા જુનાગઢ, સાજીદ ઉર્ફે બાડો તૈયબભાઇ વિશળ રહે. દોલતપરા જુનાગઢના તમામ વિરુદ્ધ જુનાગઢ પોલીસે ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે. આ ગેંગ છેલ્લા દસ વર્ષમાં જૂનાગઢ, ગીર-સોમનાથ તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં ગંભીર પ્રકારના ગુનાઓ જેમાં ખુન, ખુનની કોશીષ, ખંડણી, લૂંટ, અપહરણ, હથિયાર ધારા, ગંભીર ઈજા, ખાનગી મિલ્કતને નુકસાન, મારા-મારી, જાનથી મારી નાંખવાની ધમકી, પ્રોહીબીશન, જુગારધારા જેવા ગુનાઓ આચરી ભયનું વાતાવરણ ઉભું કરી ગુનાઓ આચરતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.
જુનાગઢ એસપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે, જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના રામદેવપરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી આરોપીઓ અલગ અલગ ગુનાઓમાં સક્રિય છે. તાજેતરમાં બે બનાવના કારણે જૂનાગઢના નવ સભ્યો ધરાવતી એક ગેંગ પોલીસને ધ્યાને આવી હતી. જેમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સલમાન ઉર્ફે સલિયો, ઉર્ફે સલીમ તૈયબ વિશળ હાલ ભાગતો ફરે છે. તેમજ મેંદરડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ગેંગના આરોપી નાઝીમ હબીબ સોઢા એ માર મારી લૂંટ કર્યાનો બનાવ બન્યો હતો. આ ગુના મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ ગેંગના 9 સભ્યો જેમાં સલમાન ઉર્ફે સલિયા વિરુદ્ધ અત્યાર સુધીમાં 25 ગુના , નાઝીમ હબીબ સોઢા વિરુદ્ધ 21 ગુના, સલમાન ઉર્ફે નાઝીમ વિરુદ્ધ 8 ગુના, અજીત ઉર્ફે મંત્રી આમદ વિરુદ્ધ 22 ગુના, અમીન ઉર્ફે છોટે મંત્રી વિરુદ્ધ 9 ગુના, અસલમ ઉર્ફે છમિયો વિરૂૂદ્ધ 6 ગુના, જુસબ ઉર્ફે કાર્યો વિરુદ્ધ 22 ગુના, અને સાજીદ ઉર્ફે બોળો વિરુદ્ધ 23 મળી આ ગેંગ વિરુદ્ધ કુલ 153 ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે.
ગુજસીટોક ગેંગના પાંચ સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા છે. જેમાં સલીમ ઉર્ફે નિઝામ ઉર્ફે ભૂરો, અજીત ઉર્ફે મંત્રી, આમદ હુસેન નારેજા, જુસબ ઉર્ફે કારીયો, સાજીદ ઉર્ફે બોળો નામના પાંચ આરોપીઓને પોલીસે પકડી ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે. તેમજ ગુજસી ટોકના ગુનામાં આ ગેંગના બે આરોપી નાઝીબ હબીબ સોઢા, અમીન ઉર્ફે છોટે અગાઉના ગુનામાં હાલ બંને જેલ હવાલે છે. સલમાન ઉર્ફે સલીયો અને અસલમ ઉર્ફે છમીયો હાલ પોલીસ પકડથી દૂર છે. આ બંને આરોપીઓને પકડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. જુનાગઢ પોલીસે છેલ્લા ચાર મહિનામાં અલગ અલગ ચાર ગેંગ વિરુદ્ધ ગુજસી ટોકના ગુનાઓ નોંધ્યા છે. જેમાં કુલ 29 આરોપીઓને હાલ સુધી ઝડપી પાડવામાં આવ્યાં છે. તેમજ પકડાયેલ ગેંગના આરોપીઓ સિવાય અન્ય શખ્સો ગુનાઓમાં સંડોવાયેલા છે કે નહિ તે દિશામાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.
