નવલસિંહે નગ્માના પિતાના નામે એક સ્યૂસાઇડ નોટ બનાવી, જેમાં આર્થિક ભીંસને કારણે પગલુ ભરું છુ તેમ લખ્યું’તું: પડધરી પોલીસમાં ત્રિપલ મર્ડરનો ગુનો નોંધાયો: કૌટુંબિક સાળાની ધરપકડ
13 જણાની સાઈનાઇડ પીવડાવી દઈ હત્યા નિપજાવનાર મૃતક આરોપી અને તાંત્રિક નવલસિંહ કનુભાઈ ચાવડાએ રાજકોટનાં ભગવતીપરા વિસ્તારમાં રહેતી નગ્મા નામની યુવતીની હત્યા કર્યા બાદ પોતાનો ભાંડો ન ફૂટે તે માટે નગ્માના માતા-પિતા અને ભાઈની પણ ઠંડે કલેજે હત્યા કરી નાખી હતી. જે અંગે હવે પડધરી પોલીસમાં નવલસિંહ અને તેના કૌટુંબિક સાળા જીગર ભનુભાઈ ગોહિલ (રહે. અમદાવાદ) વિરૂૂધ્ધ ગુનો નોંધાયો છે. જેમાંથી જીગરને પડધરી પોલીસે સકંજામાં લઈ તપાસ હાથ ધરી છે. પોલીસની પુછપરછમાં જીગરે એવી ચોંકાવનારી કબુલાત આપી છે કે નવલસિંહને નગ્મા સાથે પ્રેમસંબંધ હતો અને જેથી નગ્મા લગ્ન કરવા માટે દબાણ કરી રહી હતી જેથી તેણીને જીગર અને ભાણેજ શક્તિરાજની મદદથી મારી નાખી હતી.
આ ઘટનાક્રમ બાદ નગ્મા નહીં મળતાં તેના પરિવારજનો બેબાકળા બની ગયા હતા.જેથી તેમણે નવલસિંહનો સંપર્ક કરતાં તેણે નગ્મા કોઈની સાથે ભાગી ગયાનું અને ત્રણેક માસ બાદ પરત આવી જશે તેમ કહ્યું હતું.પરંતુ નગ્મા પરત નહીં આવતા તેના પરિવારજનોએ પોલીસ કેસ કરવાની ધમકી આપી હતી.જેથી નવલસિંહે નગમાના પરિવારને પતાવી દેવાનો પ્લાન કર્યો હતો.જેથી યોજના મુજબ તે અને નવલસિંહ તેની ડિઝાયર કારમાં રાજકોટ આવવા નીકળ્યા હતા. રસ્તામાં નવલસિંહે તેને એક સફેદ કલરના પાવડરની પડીકી બતાવી કહ્યું કે આ પાવડર પીવડાવશું એટલે પોર્સ્ટમોર્ટમમાં ઝેર નહીં પરંતુ હાર્ટએટેક જ આવશે. બાદમાં બને ચોટીલા પહોંચ્યા હતા.
જયાં એક પાનના ગલ્લેથી કાગળ લઈ નવલસિંહે કારમાં જ નગ્માના પિતાના નામે એક સ્યુસાઈડ નોટ બનાવી હતી. જેમાં નગ્માના પિતાના નામે એવું લખ્યું હતું કે આર્થિક ભીંસને કારણે આ પગલું ભરી રહ્યા છે.બાદમાં જીગર અને નવલસિંહે નગ્માના માતા-પિતા અને ભાઈને વિધિના બહાને લઈ પડધરી નજીક રામપર ગામ નજીક પહોંચ્યા હતા. જયાં જીગરને એકલો ઉભો રાખી નવલસિંહ તેમની પાસે ગયો હતો અને ત્રણેયને પાવડર અને શીશીમાંથી ઝેરી દવા પીવડાવી દીધી હતી. થોડીવાર બાદ નવલસિંહે ત્રણેય મૃત્યુ પામ્યાની ખાત્રી કરી જીગરને કહ્યું કે હવે આપણી ઉપાધી ગઈ છે.આ પછી પડધરી પોલીસને ભગવતીપરામાં રહેતાં કાદરભાઈ અલીભાઈ મુકાસમ (ઉ.વ.6ર), તેના પત્ની ફરીદાબેન (ઉ.વ.પ8) અને પુત્ર આસીફ (ઉ.વ.3પ)ની લાશ મળી હતી.જે-તે વખતે પડધરી પોલીસે આ બનાવ સ્યુસાઈડ નોટ વગેરેને કારણે આપઘાતનો હોવાનું માની લીધું હતું. પરંતુ નવલસિંહે આ ત્રણેયની હત્યા કર્યાની જે-તે વખતે કબુલાત આપી હોવાથી તેની ખરાઈ તેના કૌટુંબિક સાળા જીગરે પણ કરતાં આખરે બંને વિરૂૂધ્ધ આ ત્રિપલ મર્ડર અંગે પડધરી પોલીસે ગુનો દાખલ કર્યો હતો.જેમાં ફરિયાદી એલસીબીના પીએસઆઈ એચ.સી. ગોહિલ બન્યા છે.
