ઉપલેટાના જાગૃત નાગરિક દ્વારા રાજકોટ પ્રાદેશિક કમિશનર કચેરીના અધિકારીઓ સામે ગુજરાત માહિતી આયોગમાં એક મહત્વપૂર્ણ કાયદાકીય જંગ છેડ્યો છે. આ પ્રકરણમાં માહિતી આયોગે માહિતી આપવામાં વિલંબ બદલ જવાબદાર અધિકારીને તા. 02/02/2026ના રોજ રૂૂ. 25,000/- નો દંડ ફટકાર્યો હતો. આ હુકમથી બચવા અધિકારીઓએ આયોગ સમક્ષ “પુન:વિચારણા અરજી” દાખલ કરી હતી, જેની સામે મૂળ અરજદારે સખત વાંધા અરજી રજૂ કરી છે.
અરજદારે પોતાની વાંધા અરજીમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ટાંકીને કાયદાકીય ધડાકો કર્યો છે કે, માહિતી આયોગ જેવી અર્ધ-ન્યાયિક સંસ્થાને કાયદામાં પોતાના જ આખરી હુકમ પર “ગુણદોષ પર ફેરવિચારણા” કરવાની કોઈ સત્તા નથી. અરજદારે દલીલ કરી છે કે એકવાર હુકમ થઈ ગયા બાદ આયોગ ફંક્શન ઓફિસ બની જાય છે, તેથી અધિકારીઓની આ અરજી કાયદાકીય રીતે ટકી શકે તેમ ન હોવાથી રદ થવાપાત્ર છે. વધુમાં, આ રિવ્યુ અરજીની નકલ અરજદારને મોકલ્યા વિના જ દાખલ કરી કુદરતી ન્યાયના સિદ્ધાંતનો ભંગ કરાયો હોવાનો પણ આક્ષેપ છે.
આ સમગ્ર મામલાના મૂળમાં એક મોટું કૌભાંડ હોવાનો દાવો અરજદારે કર્યો છે. ઉપલેટા નગરપાલિકામાં જુલાઈ-2022માં નિવૃત્ત થયેલા એક કર્મચારીને કોઈપણ મંજૂરી વિના ગેરકાયદેસર રીતે પુન: નોકરી પર રખાયા હતા અને તેમને લાખોનો પગાર ચૂકવાયો હતો. આ ભ્રષ્ટાચાર છુપાવવા અને રિકવરીથી બચવા માટે જ અધિકારીઓ માહિતી દબાવી રહ્યા હતા. જોકે, તપાસ શરૂૂ થતાં સંબંધિત કર્મચારીએ ડિસેમ્બર-2024માં રાજીનામું આપવું પડ્યું હતું.
અરજદારે અધિક કલેકટર અને પ્રથમ અપીલ અધિકારી સામે પક્ષપાતનો ગંભીર આરોપ મુકતા જણાવ્યું છે કે, તેઓ તટસ્થ રહેવાને બદલે કસૂરવાર અધિકારીના વકીલની જેમ વર્તી રહ્યા છે. એટલું જ નહીં, અધિકારીઓએ પોતાની અરજીમાં બચાવ માટે અરજદારને “કાયમી અરજદાર” કહીને અપમાનિત કર્યા છે, જે તેમની દૂષિત માનસિકતા દર્શાવે છે. અરજદારે આયોગ સમક્ષ માંગ કરી છે કે અધિકારીઓની રિવ્યુ અરજી ખર્ચ સાથે રદ કરવામાં આવે, દંડની રકમ તાત્કાલિક વસૂલવામાં આવે અને અરજદારનું અપમાન કરવા બદલ ક્લાસ-1 ચીફ ઓફિસર સી. બી. ડુડીયા અને અધિક કલેકટર ઈલાબેન ચૌહાણ (આઈ. એસ. આહીર) નામના અધિકારીઓ સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે લેખિત રજુઆત કરી છે.
