ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના પ્રયાસોથી મંજૂર થયેલી બ્લડ બેંક ટૂંક સમયમાં જ ખુલ્લી મુકાશે
અમરેલી જિલ્લા માટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી સાવરકુંડલામાં સૌપ્રથમ સરકારી બ્લડ બેંકને મંજૂરી મળી ગઈ છે. આ બ્લડ બેંક કે.કે. મહેતા હોસ્પિટલના ઉપલા માળે સ્થાપિત કરવામાં આવી છે. અહીં બ્લડ બેંક માટે જરૂૂરી તમામ આધુનિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને મશીનરી ગોઠવી દેવામાં આવ્યા છે, અને તેનું ઉદ્ઘાટન ટૂંક સમયમાં જ કરવામાં આવશે.
સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા આ બ્લડ બેંકની મુલાકાત લેવામાં આવી હતી. તેમણે સમગ્ર કામગીરીનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું અને વિસ્તૃત માહિતી મેળવી સંતોષ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે, તેમણે સરકારી હોસ્પિટલમાં દાખલ દર્દીઓના ખબર-અંતર પણ પૂછ્યા હતા અને તેમના સ્વાસ્થ્ય વિશે જાણકારી મેળવી હતી. આ ઉપરાંત, તેમણે કે.કે. મહેતા સરકારી સિવિલ હોસ્પિટલને ભવિષ્યમાં કોઈપણ પ્રકારની આવશ્યકતા પડે તો તેને તાત્કાલિક પૂર્ણ કરવા માટે જરૂૂરી સૂચનો પણ આપ્યા હતા.
આ નવી બ્લડ બેંકનું ઉદ્ઘાટન થતા જ સાવરકુંડલા અને આસપાસના વિસ્તારોના લોકોને ખૂબ મોટી રાહત મળશે. લોકોએ ધારાસભ્ય મહેશભાઈ કસવાલાનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ પગલું રાજ્ય સરકારની આરોગ્ય સેવાઓને છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
