બોટાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (માર્કેટિંગ યાર્ડ) ફરી એકવાર વિવાદમાં સપડાયું છે. અગાઉ કડદા કાંડને લઈને બોટાદ માર્કેટીંગ યાર્ડે સમગ્ર ગુજરાતમાં ભારે ચકચાર મચાવી હતી ત્યારે ફરી એકવાર બોટાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ(માર્કેટિંગ યાર્ડ) વિવાદમાં આવ્યું છે. યાર્ડમાં શાકભાજીનો વેપાર કરતા વેપારીઓએ વર્તમાન ચેરમેન ડી.એમ. પટેલ સામે વેપાર ચાલુ રાખવાના બદલામાં રૂૂ.10 લાખની માંગણી કરવામાં આવતી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.
બીજી તરફ ચેરમેને આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી ફગાવી દેતાં બોટાદના સહકારી અને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ જાગી છે.યાર્ડના શાકભાજીના વેપારી કિરીટસિંહ ગોહિલ, રણજીતસિંહ રાઠોડ સહિતના વેપારીઓએ આક્ષેપ કર્યો હતો કે યાર્ડમાં શાકભાજીનો વ્યવસાય ચાલુ રાખવો હોય તો રૂૂ.10 લાખ આપવા પડશે તેવી માંગણી કરવામાં આવી રહી છે.વેપારીઓના જણાવ્યા મુજબ અગાઉની ટર્મમાં પણ તેઓએ રૂૂ.10 લાખ ચૂકવ્યા હતા. ત્યારે દર વખતે ચેરમેન બદલાય ત્યારે વેપારીઓએ નવા ચેરમેનને રૂૂ.10 લાખ આપવા પડે તેવો સવાલ પણ વેપારીઓએ ઉઠાવ્યો છે.
વેપારીઓએ સમગ્ર મામલે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરાવી જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ જો તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરી ન્યાય આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.બોટાદ કડદા કાંડ બાદ વિવાદ બાદ ફરી એકવાર બોટાદ માર્કેટિંગ યાર્ડ વિવાદ માં આવ્યુ છે..
