અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામે આવેલી અલ્ટ્રાટેક કંપનીના શિપિંગ યાર્ડમાં ધાડ પાડવાના અનડિટેક્ટ ગુનાનો પીપાવાવ મરીન પોલીસે ભેદ ઉકેલી છ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ગત 9 નવેમ્બર, 2026ના રોજ બુકાનીધારી શખ્સોએ યાર્ડની ફેન્સિંગ તોડી અંદર પ્રવેશ કરી સિક્યુરિટી ગાર્ડને ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી તેને બંધક બનાવ્યો હતો અને યાર્ડમાં રાખેલા કોપર કેબલ વાયર કાપી લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત સિક્યુરિટી ગાર્ડ પાસેથી રૂૂ.210ની કિંમતની ટોર્ચ અને વ્હિસલ પણ લૂંટી ફરાર થયા હતા. કંપનીના સ્ટોર વિભાગ દ્વારા તપાસ કરતાં 305 મીટર કોપર કેબલ વાયર, જેની કિંમત રૂૂ.1,27,856 હતી, તે ગુમ હોવાનું સામે આવ્યું હતું.
આ ગુનાની તપાસ રાજુલા DYSP નયના ગોરડિયાના માર્ગદર્શન હેઠળ પીપાવાવ મરીન પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. રાઠોડની ટીમે હાથ ધરી હતી. પોલીસે ખાનગી બાતમીદારો અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ કરી છ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં અમરૂૂભાઈ દુલાભાઈ લાખણોજા, નિઝામ રસુલભાઈ ઉન્નડ, હનીફભાઈ જુમાભાઈ દલ, દુલાભાઈ કથડભાઈ લાખણોજા, નિઝામ હબીબભાઈ પરમાર અને મજીદભાઈ ઉર્ફે કાળુ નનુભાઈ કુરેશીનો સમાવેશ થાય છે.
પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં લૂંટેલી ટોર્ચ અને વ્હિસલ ઉપરાંત ગુનામાં ઉપયોગમાં લેવાયેલાં મોબાઇલ ફોન, મોટરસાયકલ, રેનોલ્ટ ડસ્ટર કાર, મેસી ફર્ગ્યુસન ટ્રેક્ટર-ટ્રોલી અને કેબલ કટર સહિત કુલ રૂૂ.11,24,810નો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં છ મોબાઇલ ફોનની કિંમત રૂૂ.78,500, બે મોટરસાયકલની કિંમત રૂૂ.45,000, રેનોલ્ટ ડસ્ટર કારની કિંમત રૂૂ.4 લાખ અને ટ્રેક્ટર-ટ્રોલીની કિંમત રૂૂ.6 લાખ દર્શાવવામાં આવી છે.
આ ગુનામાં સંડોવાયેલા ગુલામદીન ઉર્ફે ગુલુ મહમદભાઈ દલ, રિયાઝ યસુફભાઈ જીરુકા, તનવીર હુસેનભાઈ તથા અન્ય બે શખ્સો હજુ ફરાર છે. પીપાવાવ મરીન પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે શોધખોળ તેજ કરી છે. આમ, કંપનીના શિપિંગ યાર્ડમાં થયેલી ધાડના ગુનામાં છ આરોપીઓની ધરપકડ સાથે પોલીસે રૂૂ.11.24 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી તપાસ આગળ ધપાવી છે.
