કોસ્ટલ હાઇવે ઉપર સિંહોના અકસ્માતની ઘટના વધતા તમામ સરકારી વિભાગો એલર્ટ

અમરેલી જિલ્લાના કોસ્ટલ નેશનલ હાઇવે પર સિંહોના અકસ્માતોમાં વધારો થતાં વનવિભાગે ગંભીરતા લીધી છે. આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓ દ્વારા એક મહત્વપૂર્ણ વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવી…

અમરેલી જિલ્લાના કોસ્ટલ નેશનલ હાઇવે પર સિંહોના અકસ્માતોમાં વધારો થતાં વનવિભાગે ગંભીરતા લીધી છે. આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓ દ્વારા એક મહત્વપૂર્ણ વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં સિંહોની સુરક્ષા વધારવા માટે તાત્કાલિક પગલાં લેવાનો આદેશ અપાયો છે.

આ વીડિયો કોન્ફરન્સમાં વનવિભાગના સિનિયર અધિકારીઓ, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમજ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિઓ જોડાયા હતા. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના ડેપ્યુટી ક્ધઝર્વેટર ઓફ ફોરેસ્ટ (DCFO) પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન, સિંહોની અવરજવર વધુ હોય તેવા વિસ્તારોમાં માર્ગ અકસ્માતો કેવી રીતે અટકાવી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વનવિભાગ અને માર્ગ વિભાગ વચ્ચે સંકલન મજબૂત કરી અસરકારક પગલાં લેવા માટે અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી.

વનવિભાગ દ્વારા તમામ જિલ્લાઓના રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO)ને ખાસ આદેશો અપાયા છે. તેમને માર્ગો પર સિંહો માટે જોખમી “હોટસ્પોટ” વિસ્તારો ઓળખી, વિસ્તારવાર અને માર્ગવાર વિગતવાર યાદી તૈયાર કરવા જણાવ્યું છે. આ હોટસ્પોટ વિસ્તારોમાં નેશનલ હાઇવે ઓથોરિટી, માર્ગ અને મકાન વિભાગ તથા વનવિભાગના સંયુક્ત પ્રયાસોથી તાત્કાલિક સ્પીડ બ્રેકર, રિફ્લેક્ટર બોર્ડ, ચેતવણી સૂચક ફલક અને અન્ય જરૂૂરી સુરક્ષા વ્યવસ્થાઓ ઊભી કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આનાથી વાહનચાલકોની ઝડપ નિયંત્રિત થશે અને સિંહોના અકસ્માતો અટકાવી શકાશે.

આ ઉપરાંત, જો જરૂૂર જણાય તો સિંહોની હિલચાલ પર નજર રાખવા માટે “રેડિયો કોલર” પહેરાવવાની પણ તૈયારી રાખવા સૂચના આપવામાં આવી છે. આનાથી સિંહોની અવરજવર અંગે તાત્કાલિક માહિતી મેળવી શકાશે અને અકસ્માત નિવારણમાં મદદરૂૂપ થઈ શકાશે.

વનવિભાગના અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, સિંહોની સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને સિંહોના એકપણ બિનજરૂૂરી મૃત્યુને સહન કરવામાં આવશે નહીં. સિંહોની સલામતી માટે તમામ વિભાગો સાથે સંકલન સાંધી કડક અને સતત કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સિંહ સંરક્ષણ માટે લેવામાં આવેલા આ પગલાઓ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થશે અને ભવિષ્યમાં સિંહોના માર્ગ અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *