શાપરના દુષ્કર્મ કેસમાં કારખાનેદાર બાદ ભોગ બનનાર યુવતીએ પણ વખ ઘોળ્યું

શાપર દુષ્કર્મ કેસમાં કારખાનેદાર યુવક બાદ હવે યુવતીએ પણ આપઘાત પ્રયાસ કર્યો છે. રાજકોટના પટેલ યુવકે અગાઉ દુષ્કર્મ ફરિયાદ થાય એ પહેલા ઝેરી દવા પીધેલી.…

શાપર દુષ્કર્મ કેસમાં કારખાનેદાર યુવક બાદ હવે યુવતીએ પણ આપઘાત પ્રયાસ કર્યો છે. રાજકોટના પટેલ યુવકે અગાઉ દુષ્કર્મ ફરિયાદ થાય એ પહેલા ઝેરી દવા પીધેલી. હવે ગુનો દાખલ થઈ ગયા બાદ બિહારી યુવતીએ પગલું ભર્યું છે. યુવતી હાલ રાજકોટ સિવિલમાં દાખલ છે. યુવાન એક સંતાનનો પિતા હોવાની વાત છુપાવી યુવતીને પોતાના કારખાનામાં રાખી અવાર નવાર શરીર સંબંધ બાંધતો તેવો આક્ષેપ કરાયો છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, હાલ શાપર વેરાવળમાં વિકાસ ચોકમાં રહેતી અને કારખાનામાં સીએનસી મશીન પર મજૂરી કામ કરતી 19 વર્ષીય યુવતીએ ગઈકાલ સવારે 11 વાગ્યાં આસપાસ પોતે પોતાના ઘરે હતી ત્યારે વંદા મારવાની દવા પી જતા પ્રથમ શાપર સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ હતી.

જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાઈ હતી. યુવતીએ જણાવ્યું કે, તેણી અહીં તેમના વતનની અન્ય યુવતીઓ સાથે મજૂરી કામ માટે આવી હતી. તે ત્રણ વર્ષથી શાપરમાં રહે છે. તેમના માતા પિતા વતન બિહાર રહે છે.

શાપર આવ્યા બાદ તેનો સંપર્ક પટેલ કારખાનેદાર યુવાન સાથે થયો હતો. તે યુવકના કારખાનામાં કામે લાગી હતી. આ યુવાને તેને પ્રેમ જાળમાં ફસાવીને પોતાના કારખાનામાં જ રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. યુવતી લગ્નની વાત કરતી ત્યારે આ યુવાન વાતને ટાળી દેતો હતો. જે પછી યુવતીને ખબર પડી હતી કે આ યુવાન પરણીત છે અને એક સંતાનનો પિતા છે.

જેથી મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધવા માટે અરજી કરી હતી. તે વખતે યુવક પોલીસ મથકે ઝેરી દવા પી પહોંચ્યો હતો. ત્યારે યુવકે આક્ષેપ કર્યો હતો કે, યુવતી દ્વારા સમાધાન માટે મોટી રકમની માંગણી કરવામાં આવી રહી છે. તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસ સૂત્રોનું માનીએ તો આ બનાવમાં સમાધાનના પ્રયાસો થયા હતા.

પરંતુ સમાધાન ન થતા અંતે 15 એપ્રિલના રોજ યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. યુવતીનું મેડિકલ ચેકઅપ થયું હતું. પછી તેણીએ ઝેરી દવા પીધી હતી. હાલ આ યુવતી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. પોલીસે તેનું નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *