સ્થાનિક ચૂંટણીઓ પહેલા દોઢ ડઝન કલેકટર-ડીડીઓ બદલાશે, ગાંધીનગર- સુરેન્દ્રનગર કલેકટરની ખાલી જગ્યાઓ પણ ભરાશે
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી પૂર્વે આઇપીએસ અધિકારીઓની બદલી બાદ હવે આઇએએસ અધિકારીઓની ફેરબદલી માટે ગાંધીનગરમાં ધમધમાટ શરૂ થયો છે અને સંભવત: આવતા અઠવાડીયામાં જ વહિવટીતંત્રમાં બદલીનો મોટો ઘાણવો નીકળે તેવી શકયતા દર્શાવાઇ રહી છે.
બદલીના આ રાઉન્ડમાં સચિવાલયના વિવિધ વિભાગોના વહીવટી સેટઅપમાં ભલે કોઈ મોટા ફેરફારો ન જણાય, પરંતુ જિલ્લા વહીવટીતંત્રમાં વ્યાપક સ્તરે ફેરબદલ થવાની પૂરેપૂરી શક્યતા છે. ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓની જાહેરાત ચાલુ વિધાનસભા સત્ર દરમિયાન અથવા સત્ર પૂર્ણ થયાના તુરંત બાદ થવાની સંભાવના હોવાથી આ બદલીઓ ખૂબ જ ઝડપથી કરવામાં આવી શકે છે.
જિલ્લા કલેક્ટર કચેરીઓના સ્તરે મોટા ફેરફારોની અપેક્ષા રાખવામાં આવી રહી છે. ગાંધીનગરના કલેક્ટર મેહુલ દવે તાજેતરમાં નિવૃત્ત થયા છે, જેના કારણે આ મહત્વની જગ્યા હાલ ખાલી છે અને અન્ય અધિકારીને તેનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. તેવી જ રીતે, અમદાવાદના કલેક્ટર સુજીત કુમારની સચિવ તરીકે બઢતી થયા બાદ તેમની બદલી હવે લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. આ બંને મુખ્ય શહેરોમાં નવા કલેક્ટરોની નિમણૂક વહીવટી દ્રષ્ટિએ મહત્વની બની રહેશે. જયારે સુરેનદ્રનગરના કલેકટર રાજેન્દ્ર પટેલ સસ્પેનડ થતા તે જગ્યા પણ ખાલી પડી છે.
રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ, રાજ્યના દોઢ ડઝનથી વધુ કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓની (ઉઉઘ) બદલીની યાદી તૈયાર હોવાનું મનાય છે. આ યાદીમાં અનેક સિનિયર અધિકારીઓનો સમાવેશ થઈ શકે છે. લાંબા સમયથી એક જ જિલ્લામાં ફરજ બજાવતા અધિકારીઓને અન્યત્ર ખસેડીને ચૂંટણી પૂર્વે વહીવટી તંત્રને સજ્જ કરવામાં આવશે.
ચૂંટણી પૂર્વેના આ સંભવિત ફેરબદલને કારણે વહીવટી આલમમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. સરકાર આ બદલીઓ દ્વારા વહીવટી પ્રક્રિયામાં નવી ઊર્જા લાવવા અને ચૂંટણીલક્ષી તૈયારીઓને આખરી ઓપ આપવા માંગતી હોય તેમ જણાય છે.
