ગેસ વપરાશની મર્યાદાને કારણે ઉદ્યોગકારોની મુશ્કેલીઓ નિવારવા માંગ
રાજકોટ શહેર તથા આસપાસના ઉદ્યોગોને ગુજરાત ગેસ કંપની દ્વારા પૂરા પાડવામાં આવતા પીએનજી ગેસના પુરવઠામાં હાલ થયેલા ફેરફારોને ધ્યાનમાં રાખીને ઉદ્યોગકારોને સરળતા રહે તે હેતુથી રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ કેન્દ્ર સરકાર સમક્ષ વિગતવાર રજૂઆત કરી છે.
હાલ ગુજરાત ગેસ કંપની દ્વારા ફેબ્રુઆરી મહિનામાં ઉદ્યોગોને એક્ચ્યુઅલ વપરાશના 50 ટકા જેટલો ગેસ વાપરવાની મર્યાદા રાખવામાં આવી છે. ફેબ્રુઆરી મહિનો 28 દિવસનો હોવાને કારણે ઉદ્યોગોના એક્ચ્યુઅલ વપરાશમાં સામાન્ય રીતે ઘટાડો રહે છે. આ બાબતને ધ્યાનમાં લઈ ઉદ્યોગોને એક્ચ્યુઅલ ડીસીકયુના ઓછામાં ઓછા 75 ટકા સુધી ગેસ વાપરવાની છૂટ આપવામાં આવે તો ઉદ્યોગોની ઉત્પાદન પ્રક્રિયા સુગમ રીતે ચાલુ રહી શકે તેવી વિનંતી રજૂઆતમાં કરવામાં આવી છે.
આ સાથે એક્સેસ ગેસની ગણતરી રોજિંદા આધારના બદલે આખા મહિનાની સરેરાશ મુજબ કરવામાં આવે તો ઉદ્યોગોને વધુ અનુકૂળતા મળી શકે તેવી પણ સૂચનાત્મક રજૂઆત કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે DCQ 1500 SCM ધરાવતા ઉદ્યોગ માટે 75 ટકા મુજબ 1125 એસસીએમ વપરાશના આધારે 30 દિવસ માટે અંદાજે 33,750 SCM સુધી ગેસ વાપરવાની છૂટ આપવામાં આવે તો ઉદ્યોગોને કાર્યરત રાખવામાં સહાયરૂૂપ બની શકે છે. રજુઆતમાં વધુમાં જણાવ્યું છે કે હાલ એક્સેસ ગેસના દરમાં વધારાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ઉદ્યોગોને વધારાનો આર્થિક બોજ ન પડે તે માટે હાલના અંદાજિત રૂૂ. 47 દરના આધારે મહત્તમ 20 ટકા જેટલો યોગ્ય વધારો રાખી દર નક્કી કરવામાં આવે તેવી પણ વિનંતી કરવામાં આવી છે.
ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ કેન્દ્ર સરકાર સમક્ષ આ મુદ્દે સંવેદનશીલતા પૂર્વક વિચારણા કરી રાજકોટ સહિત રાજ્યના ઉદ્યોગોને જરૂૂરી સહાય અને રાહત મળે તે માટે યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી છે.
